ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. લોર્ડ્સ ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતી વખતે પંતને આંગળીમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ માન્ચેસ્ટર ટેસ્ટમાં પગમાં મોટી ઈજા થતા તેને મેદાન છોડવું પડ્યું. આ ઈજાએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતા ઊભી કરી. આ ઘટનાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને નવો નિયમ બનાવવાની પ્રેરણા આપી છે.
BCCIએ 2025-26 સીઝનથી ઘરેલુ મલ્ટી-ડે મેચો માટે ‘સીરિયસ ઈન્જરી રિપ્લેસમેન્ટ’ નો નિયમ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ અનુસાર, જો કોઈ ખેલાડી મેચ દરમ્યાન ગંભીર ઈજાને કારણે બહાર થાય છે, તો ટીમ મેનેજમેન્ટ તેને સમાન લાયકાત ધરાવતા ખેલાડીથી બદલી શકે છે. આ બદલાવ માટે પસંદગી સમિતિ અને મેચ રેફરીની મંજૂરી ફરજિયાત રહેશે.
આ નિયમ ખાસ કરીને CK નાયડુ ટ્રોફી જેવી મલ્ટી-ડે અંડર-19 ટુર્નામેન્ટમાં લાગુ પડશે, જ્યારે સફેદ બોલ ટુર્નામેન્ટ જેમ કે સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારેમાં તેનો ઉપયોગ નહીં થાય. IPL માટે આ નિયમ લાગુ કરાશે કે નહીં તે અંગે હજી નિર્ણય લેવાયો નથી.
હાલમાં ICCના નિયમો મુજબ ફક્ત માથાની ઈજામાં કન્કશન સબસ્ટિટ્યૂટ આપવામાં આવે છે, જેમાં ખેલાડી ઓછામાં ઓછા 7 દિવસ સુધી કોઈ મેચ રમી શકતો નથી. BCCIનો નવો નિયમ ટીમની રણનીતિને સુરક્ષિત રાખવા અને રમતનું સ્તર જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Leave a Reply