દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે એ મુદ્દે સમગ્ર દેશમાં તીવ્ર ચર્ચા ચાલી રહી છે. હજી સુધી શાસક પક્ષ BJP કે વિપક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ 17 ઓગસ્ટના રવિવારે યોજાનારી ભાજપની સંસદીય બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં નવા ઉપરાષ્ટ્રપતિના નામ પર અંતિમ મોહર લાગી શકે છે.
જણાવાઈ રહ્યું છે કે, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવાર અને સિક્કિમના રાજ્યપાલ ઓમ માથુરના નામો સૌથી આગળ ચાલી રહ્યાં છે. સંસદીય બોર્ડ ભાજપનું સર્વોચ્ચ નીતિ-નિર્માણ સંસ્થાન છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. બેઠકમાં માત્ર ઉપરાષ્ટ્રપતિ માટે જ નહીં, પણ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારમાં મતદાર યાદીની સુધારણા અભિયાન (SIR) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ નિર્ણય થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકનની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. સૂત્રો અનુસાર, હાલમાં પદ છોડનાર જગદીપ ધનખડના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાને ધ્યાનમાં રાખીને ભાજપ આ વખતે અનુભવી નેતાને ઉમેદવાર બનાવી શકે છે. NDA પાસે લોકસભા અને રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી હોવાથી ઉમેદવારની પસંદગીમાં કોઈ અવરોધ રહેવાની શક્યતા ઓછી છે. જોકે, વિપક્ષ પણ 2022ની જેમ પોતાના ઉમેદવાર ઉભા કરી શકે છે. 9 સપ્ટેમ્બરે મતદાન યોજાવાનું છે.
સાંભળવામાં આવી રહ્યું છે કે પસંદગી સમયે પક્ષ રાજકીય, સામાજિક અને પ્રાદેશિક સમીકરણોનું પણ ધ્યાન રાખશે અને સંસદીય કાર્યમાં અનુભવી નેતાને તાકીદે પસંદ કરી શકે છે.

Leave a Reply