જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી.
આ બનાવ રાજકોટના ગોંડલ રોડ પર બન્યો હતો, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ. અચાનક થયેલી આ ઘટનાને કારણે થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, આ ઘટનામાં ચાર શખ્સો નશાની હાલતમાં હોવાનો આરોપ છે. વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા 39 વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરે છે, જ્યારે આ વર્ષે 40મી શોભાયાત્રા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા યોજાઈ હતી. 22 કિમી લાંબી આ શોભાયાત્રામાં 80થી વધુ ફ્લોટ્સ સામેલ હતા, જેમાં મુખ્ય રથ પર ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો લગાવવામાં આવ્યા હતા.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવા છતાં આ ઘટના બની. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરી મામલો શાંત પાડ્યો હતો અને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply