ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ

ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ

ગુજરાતમાં ફરીથી મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાજા આંકડા મુજબ, સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 2-2 ઇંચ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 193 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજકોટના ધોરાજીમાં સૌથી વધુ 3.15 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત, જૂનાગઢના માળીયા હાટીના, ડાંગના આહવા, કચ્છના અબડાસા, સુરતના કામરેજ અને ડાંગના સુબિરમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ સિટી, તાપીના વ્યારા, બનાસકાંઠાના અમીરગઢ, ગીર સોમનાથના તલાલા, પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં 1 ઇંચ સુધી વરસાદ થયો છે.

જ્યારે બનાસકાંઠાના કાંકરેજ, રાજકોટના ઉપલેટા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢના વંથલી, માણાવદર, અમદાવાદના દેત્રોજ, અરવલ્લીના મેઘરજ, રાજકોટના લોધિકા અને જામકંડોરાણા સહિત 163 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે, તેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published.