આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે ચૂંટણીમાં મહત્વનો ફર્ક પાડી શકે છે.
પીટીઆઈના અહેવાલ મુજબ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાર્ટી પ્રમુખ જગન મોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી હતી અને શાસક ગઠબંધનના ઉમેદવાર માટે પ્રાદેશિક પાર્ટીના સમર્થન માંગ્યું હતું. રાજકીય રીતે આ નિર્ણય ખુબ જ મહત્વનો માનવામાં આવે છે કારણ કે વાયએસઆર કોંગ્રેસ એનડીએનો ભાગ નથી અને ઈન્ડિયા ગઠબંધન સાથે પણ નથી, તેમ છતાં એનડીએને સમર્થન આપી રહી છે.
આ પહેલાં પણ વાયએસઆર કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએને સમર્થન આપ્યું હતું, જેમ કે રામનાથ કોવિંદ, દ્રૌપદી મુર્મુ, વેંકૈયા નાયડુ અને જગદીપ ધનખડના ઉમેદવારી સમયગાળા દરમિયાન. હાલમાં એનડીએ પાસે લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132 સાંસદોનું સમર્થન છે. વાયએસઆરસીપીના 11 સાંસદોના સમર્થન સાથે આ આંકડો 435થી વધુ પહોંચવાની સંભાવના છે, જે સી.પી. રાધાકૃષ્ણનની જીત લગભગ નિશ્ચિત બનાવે છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે એનડીએનું પ્રભાવ રાષ્ટ્રીય સ્તરે વધી રહ્યું છે અને પ્રાદેશિક પક્ષો સાથેના તેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે.

Leave a Reply