ભારે વરસાદથી મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત, શાળાઓ બંધ, અનેક ફ્લાઈટ્સ મોડી, બચાવ માટે સેનાની મદદ

ભારે વરસાદથી મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત, શાળાઓ બંધ, અનેક ફ્લાઈટ્સ મોડી, બચાવ માટે સેનાની મદદ

મુંબઈમાં મોન્સૂન તોફાની રંગત સાથે આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. મુંબઈના અનેક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગાડીઓ અટવાઈ ગઈ છે, સબવે બંધ કરવી પડી છે અને હોસ્પિટલ સુધી પહોંચવા માટે લોકો પોતાના પરિજનોને પીઠ પર લઈ જતા જોવા મળ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની શાળા અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ભયજનક સ્થિતિને ધ્યાનમાં રાખતા મુંબઈના અંધેરી સબવેને પણ બંધ કરવો પડ્યો છે. ચેંબુરની એક હોસ્પિટલમાં પાણી ઘૂસી જતાં દર્દીઓ અને તેમની સાથે આવેલા સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

મુંબઇ એરપોર્ટ પણ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયો છે. ઈન્ડિગો સહિત અનેક એરલાઈન્સે પોતાની ફ્લાઇટ સર્વિસ મોડું પડવાની માહિતી આપી છે અને યાત્રીઓને પોતાની ફ્લાઇટની સ્થિતિ વેબસાઈટ દ્વારા તપાસવાની સલાહ આપી છે. એરપોર્ટ તરફ જતા માર્ગો પર પણ ભારે પાણી ભરાયું છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.

હવામાન વિભાગે 17 થી 21 ઓગસ્ટ સુધી મુંબઈમાં સતત ભારે વરસાદની આગાહી કરી છે. ઠાણે અને પાલઘર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઠાણેના કલ્યાણ વિસ્તારમાં ભારે વરસાદથી ભૂસ્ખલન સર્જાયું છે, જેમાં ચાર ઘરોને નુકસાન થયું છે. જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

નાંદેડ જિલ્લામાં પણ વરસાદે કહેર વર્તાવ્યો છે, જ્યાં લગભગ 200 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે સેનાની મદદ લેવાઈ રહી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં આ સમયે મોન્સૂન પરાકાષ્ઠા પર છે અને પ્રશાસને લોકોને સલામત રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published.