લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (18 ઓગસ્ટ) બિહારના ગયાજીમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચ પર વોટ ચોરી અને મતદાર યાદીમાં છેડછાડ કરવાનો આરોપ મૂક્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ત્રણેય કમિશનરોને ચેતવણી આપતા કહ્યું કે, “ત્રણેય ચૂંટણી કમિશનર કાન ખોલીને સાંભળો, જ્યારે પણ કેન્દ્ર અને બિહારમાં સરકાર બદલાશે ત્યારે તમારાં વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હું મંચ પરથી ક્યારેય જૂઠું નથી બોલતો. વોટ ચોરી એ બંધારણ પર હુમલો છે અને અમે તેને ક્યારેય થવા નહીં દઈએ.”
રાહુલ ગાંધીએ લોકોને પૂછ્યું કે, “શું તમે બિહારમાં વોટ ચોરી થવા દેશો?” તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગોટાળા થયા હતા અને લોકસભા ચૂંટણી બાદ ચૂંટણી પંચે ગેરરીતિ કરીને એક કરોડ નવા મતદારો ઉમેર્યા હતા. “અમારા મતો ઘટ્યા નહોતા, પરંતુ જ્યાં જ્યાં ભાજપ જીત્યું ત્યાં નવા મતદારો ઉમેરાયા,” એવું તેમણે કહ્યું.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે કર્ણાટકમાં સંશોધન દરમિયાન એક બેઠકમાં એક લાખથી વધુ નકલી મતદારો મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે, “પાંચ રીતોથી નકલી મતદારો બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે મેં ચૂંટણી પંચને જાણ કરી, ત્યારે તેમણે વિપક્ષના નેતાનું સાંભળ્યું નહીં અને તેના બદલે મને સોગંદનામું આપવા કહ્યું. ચોરી તેમની હતી અને જવાબદારી તેમની હતી.”
અંતમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કટાક્ષ કરતા કહ્યું કે આખો દેશ હવે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગશે અને દરેક વિધાનસભા મતવિસ્તારમાં તેમની ચોરી પકડવી પડશે. “જેમ મોદીજી બિહાર માટે સ્પેશિયલ પેકેજની વાત કરે છે, તેવી જ રીતે તેઓ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના નામે બિહાર માટે નવું પેકેજ લાવ્યા છે,” એમ તેમણે આક્ષેપ કર્યો.

Leave a Reply