રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ

કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરીથી કડક પ્રહાર કર્યા છે. બિહારમાં ચાલી રહેલી ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે ભાજપ પર વોટ ચોરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને છ મુદ્દાઓ પર સીધી ટીકા કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “જે સરકાર વોટ ચોરીથી બને છે, શું તે ક્યારેય જનસેવા માટે પ્રતિબદ્ધ હોઈ શકે?”

રાહુલ ગાંધીએ ટ્વિટ દ્વારા ભાજપ પર આક્ષેપો કર્યા છે. તેમણે બેરોજગારીને મોટો મુદ્દો ગણાવ્યો અને કહ્યું કે તે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે, જ્યારે સરકાર મૂડીવાદીઓના હિત માટે કામ કરી રહી છે. પેપર લીક અને કૌભાંડનો મુદ્દો ઉઠાવતા તેમણે જણાવ્યું કે NEET, SSC સહિતના પેપર લીક કૌભાંડોએ લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી બગાડી દીધી છે, છતાં સરકાર ચૂપ છે.

મોંઘવારી વિશે તેઓએ કહ્યું કે ભાવો આસમાને પહોંચ્યા છે અને સામાન્ય માણસ માટે જીવન મુશ્કેલ બન્યું છે, પરંતુ સરકાર સતત ટેક્સ વધારતી રહે છે. તેમણે માળખાકીય નિષ્ફળતાનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેમાં ટ્રેન દુર્ઘટનાઓ અને પુલ-રસ્તાઓના ભંગાણથી અનેક જીવ ગયા છતાં કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.

આતંક અને હિંસાની ઘટનાઓ અંગે તેમણે કહ્યું કે પૂંછથી મણિપુર સુધી સેંકડો લોકોના મોત થયા, પરંતુ સરકારે જવાબદારી લીધી નથી. અંતમાં માનવતાના અભાવ પર તેમણે પ્રહાર કરતા કહ્યું કે નોટબંધી, કોવિડ મહામારી અને ખેડૂત આંદોલનમાં લાખો લોકોના જીવ ગયા, છતાં વડાપ્રધાને સહાનુભૂતિ પણ બતાવી નથી.

રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે આ સરકાર ‘વોટ ચોરી’ દ્વારા સત્તામાં આવી છે અને હવે લોકોના જીવવા કે પીડાવાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમણે લોકોને મતાધિકારનું રક્ષણ કરવાની અપીલ કરી અને એવી સરકાર પસંદ કરવાની વિનંતી કરી જે જનતાની જવાબદેહ હોય.

 

Leave a Reply

Your email address will not be published.