જાફરાબાદમાં દરિયાઈ તોફાન: 3 માછીમારોના મૃતદેહ મળ્યા, 9 હજુ લાપતા

જાફરાબાદમાં દરિયાઈ તોફાન: 3 માછીમારોના મૃતદેહ મળ્યા, 9 હજુ લાપતા

અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં છેલ્લા ત્રણ દિવસથી તોફાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે માછીમારો માટે ભારે જોખમ ઊભું થયું છે. આ દરમિયાન ત્રણ દિવસ પહેલાં જાફરાબાદ અને રાજપરાની ત્રણ ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 11 માછીમારો લાપતા થયા હતા. છેલ્લા 48 કલાકથી કોસ્ટગાર્ડની ટીમ જહાજ અને હેલિકોપ્ટર દ્વારા સઘન શોધખોળ ચલાવી રહી છે. તાજેતરમાં કોસ્ટગાર્ડને જાફરાબાદથી 33 નોટિકલ માઈલ દૂર ત્રણ મૃતદેહો મળ્યા છે, જેના કારણે માછીમારોમાં માતમ છવાઈ ગયો છે.

ઘટનાની વચ્ચે વધુ એક ચિંતા ઊભી થઈ હતી, કારણ કે શિયાળબેટની ‘ધનવંતી’ અને ‘લક્ષ્મીપ્રસાદ’ નામની બે બોટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જોકે, આ બોટ અને તેમાં સવાર 9 ખલાસીઓ સલામત મળી આવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. વહીવટી તંત્રે તોફાની દરિયાઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ માછીમારોને કિનારે પરત ફરવા જણાવ્યું હતું. સંદેશ મળ્યા બાદ 500થી વધુ બોટ કિનારે પરત આવી ગઈ હતી.

આ ઘટનામાં અત્યાર સુધી 17 માછીમારોને બચાવવામાં આવ્યા છે અને 3 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 9 માછીમારો હજુ પણ લાપતા છે. વહીવટી તંત્ર અનુસાર, જાફરાબાદ અને આસપાસના વિસ્તારમાં કુલ 700થી વધુ બોટો છે, જેમાંથી મોટાભાગની સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગઈ છે. લાપતા માછીમારોની શોધખોળ હજુ પણ કોસ્ટગાર્ડ દ્વારા સતત ચાલી રહી છે.

લાપતા થયેલા માછીમારોના નામ:
ચીથર પાંચા બારૈયા (ધારાબંદર), વિજય છગન ચુડાસામા (રાજપરા), વિનોદ કાળુ બાંભણીયા (રાજપરા), પ્રદિપ રમેશ ચુડાસામા (રાજપરા), દિનેશ બાબુ બારૈયા (જાફરાબાદ), હરેશ બિજલ બારૈયા (જાફરાબાદ), મનસુખ ભાણા શિયાળ (શિયાળબેટ), વિનોદ ઢીસા બારૈયા (જાફરાબાદ), વિપુલ વાલા ચૌહાણ (જાફરાબાદ), ચંદુ અરજણ બારૈયા (જાફરાબાદ), કમલેશ શાંતિ શિયાળ (શિયાળબેટ).

 

Leave a Reply

Your email address will not be published.