મુંબઈ એરપોર્ટ પર દીપિકા પાદુકોન સાથે એક ઘટના બની, જેણે ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે ચર્ચા જગાવી છે. દીપિકા પોતાની નાનકડી દીકરી દુઆ સાથે એરપોર્ટ પર હતી. તે સમયે દુઆ તેના ખોળામાં સૂઈ રહી હતી. આ દરમિયાન એક ચાહકે દીપિકાની જાણ કે મંજૂરી લીધા વિના જ દુઆનો વિડીયો બનાવી લીધો.
દીપિકા આ કૃત્ય પર તરત જ નારાજ થઈ ગઈ અને ફેનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. પરંતુ ત્યાં સુધીમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ થઈ ગયો હતો. આ ઘટના સામે આવ્યા બાદ દીપિકા તથા રણવીરના ચાહકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો. ફેન્સે આ ફેનને તાત્કાલિક વિડીયો ડિલીટ કરવાની માગણી કરી હતી. ઘણા લોકોએ આ કૃત્યને “અનૈતિક” ગણાવતાં લખ્યું કે માતા-પિતાની સંમતિ વિના બાળકનો વિડીયો ઉતારીને તેને જાહેરમાં મૂકવું એકદમ ખોટું છે.
ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોને અત્યાર સુધી તેમની દીકરી દુઆનો ચહેરો જાહેરમાં દેખાડ્યો નથી. તેઓ સંતાનની પ્રાઈવસી બાબતે ખાસ સાવચેતી રાખે છે.
બોલીવૂડમાં બાળકોની પ્રાઈવસી અંગે પહેલાથી જ ચર્ચા ચાલી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની દીકરી રાહાનો ચહેરો જાહેર કરી ચૂક્યા છે, પરંતુ ત્યારથી તેઓ મીડિયા અને પાપારાઝીને વારંવાર વિનંતી કરતા આવ્યા છે કે તેમની દીકરીના ફોટા વિના પરવાનગી ન પાડવામાં આવે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ પોતાના સંતાનોની પ્રાઈવસી બાબતે એટલાં જ સંવેદનશીલ છે. વિરાટ પહેલાથી જ પોતાની દીકરીનો વિડીયો ઉતારતા એક ફોટોગ્રાફર પર ગુસ્સે ચઢી ચૂક્યો છે.
આ ઘટનાએ ફરી એક વાર ચર્ચા શરૂ કરી છે કે સેલિબ્રિટી સંતાનોની પ્રાઈવસી જાળવવી કેટલી જરૂરી છે અને પેરેન્ટ્સની પરવાનગી વિના તેમના ફોટા કે વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવા ન જોઈએ.

Leave a Reply