ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

રાજસ્થાનના વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં પૂર આવી ગયું છે. હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવા પડ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં કામ કરતા બે પરિવારો અને કુલ 15 લોકો હરણાવ નદીના પાણીમાં ફસાયા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું. ફાયર વિભાગે તમામને સલામત બહાર કાઢી દીધા છે. NDRF અને SDRF ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર નજીક એક પૂજારી અને ચાર શ્રદ્ધાળુઓ પણ પાણીમાં ફસાયા હતા, જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

હરણાવ જળાશયમાંથી 15,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદી ભયજનક સ્તરે વહી રહી છે. આ વચ્ચે, ગુજરાતમાં ચોમાસું મોસમ બરાબર ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 27.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે વર્ષના 80% વરસાદના સમાન છે. 37 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોનું સરેરાશ જળસ્તર 78.82 ટકા છે, જેમાંથી 59 જળાશયો છલોછલ ભરાયા છે અને જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published.