પતિને બચાવવા પત્નીએ આપ્યો લિવર, સર્જરી બાદ બંનેનાં મોત, હોસ્પિટલને નોટિસ

પતિને બચાવવા પત્નીએ આપ્યો લિવર, સર્જરી બાદ બંનેનાં મોત, હોસ્પિટલને નોટિસ

મહારાષ્ટ્રના પુણેથી એક અચરજ પમાડતી ઘટના સામે આવી છે, જેમાં પતિનો જીવ બચાવવા માટે પત્નીએ પોતાનું લિવર દાન કર્યું, પરંતુ દુર્ભાગ્યવશ સર્જરી પછી બંનેનાં મોત થઈ ગયા. અહેવાલ મુજબ બાપૂ કોમકરને લિવરની ગંભીર સમસ્યા હતી, જેને કારણે ડૉક્ટરે તેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી. પતિને બચાવવા માટે તેમની પત્ની કામિનીએ પોતાનું લિવર દાન કરવાનો નિર્ણય લીધો.

15 ઑગસ્ટના રોજ સહ્યાદ્રી હોસ્પિટલમાં બંનેની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ સર્જરીના માત્ર બે દિવસ પછી જ બાપૂ કોમકરની તબિયત ખરાબ થઈ ગઈ અને 17 ઑગસ્ટે તેમનું મોત થયું. ત્યારબાદ કામિનીને ઈન્ફેક્શન થયું અને 21 ઑગસ્ટે તેમનું પણ નિધન થયું.

આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ મૂક્યો અને આરોગ્ય વિભાગને કાર્યવાહી કરવાની માગ કરી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સહ્યાદ્રી હોસ્પિટલને નોટિસ ફટકારી છે. ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. નાગનાથ યેમ્પલ્લેએ જણાવ્યું કે, હોસ્પિટલને સર્જરી, પીડિતાનું વીડિયો રેકોર્ડિંગ અને સમગ્ર સારવાર પ્રક્રિયા અંગેની વિગતો સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હોસ્પિટલ તરફથી જણાવાયું કે સર્જરી સંપૂર્ણ મેડિકલ પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી હતી. “દર્દીને લિવર સાથે અન્ય અંગોની ગંભીર સમસ્યા હતી, જે હાઈ રિસ્ક કેસ હતો. અમે પરિવારને શક્ય જોખમોની જાણ કરી હતી,” એમ હોસ્પિટલએ સ્પષ્ટ કર્યું.

દુર્ભાગ્યવશ સર્જરી પછી દર્દીને કાર્ડિયોજેનિક શોક આવ્યો અને તેમનું મૃત્યુ થયું, જ્યારે દાતાને મલ્ટી-ઓર્ગન ફેલયર થયું. હોસ્પિટલે નોટિસ મળ્યાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

 

 

Leave a Reply

Your email address will not be published.