IPL Losses From Online Money Gaming Law : ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટરો વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિત અનેક ખેલાડીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે. વાસ્તવમાં ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ બિલ કાયદો બની ગયો છે, જેના કારણે ટીમ ઈન્ડિયાની સ્પોન્સર્સ ડ્રીમ-11 પણ ઘરભેગી થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ વિવિધ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના આશરે 22 કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી 11 કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે 45 કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઈને 20 હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.
ઓનલાઈન મની ગેમ બંધ થતા ખેલાડીઓને નુકસાન
ઓનલાઈન મની ગેમ બંધ થવાની માત્ર BCCI અને સરકારને જ નહીં ટીમ ઈન્ડિયા દિગ્ગજ ક્રિકેટરોને પણ ભારે નુકસાન થયું છે. વિરાટ કોહલી (Virat Kohli), રોહિત શર્મા (Rohit Sharma), હાર્દિક પંડ્યા (Hardik Pandya) સહિત તમામ ક્રિકેટરો અગાઉ આવી ગેમિંગનો પ્રચાર કરતા જોવા મળતા હતા. એટલું જ નહીં એમ.એસ.ધોની (M.S. Dhoni) અને સુરેશ રૈના (Suresh Raina) પણ તેનો પ્રચાર કરતા હતા.
ખેલાડીઓ-ઓનલાઈન ગેમિંગ એપ કંપનીઓ વચ્ચેની ડીલ પર પૂર્ણવિરામ
ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મનો પ્રચાર કરતા જોવા મળતા હતા. તેઓ આ પ્લેટફોર્મ દ્વારા કરોડો રૂપિયા કમાતા હતા. જોકે હવે ઓનલાઈન મની ગેમિંગનો કડક કાયદો લાગુ થયા બાદ તમામ ખેલાડીઓની આવી ગેમિંગ કંપનીઓ સાથેની ડીલ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. રિપોર્ટ મુજબ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah), હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) જેવા ખેલાડીઓ ડ્રિમ-11નું પ્રમોશન કરતા જોવા મળતા હતા. જ્યારે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj), શુભમન ગિલ (Shubman Gill) અને યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) માય-11 સર્કલ એપનો પ્રચાર કરતા જોવા મળતા હતા. જ્યારે વિરાટ કોહલી MPL અને ધોની Winzo એપ સાથે જોડાયેલા હતા.
આ પણ વાંચો : રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટથી કેમ લીધી નિવૃત્તિ? 4 મહિના બાદ કર્યો ખુલાસો, ઉંમરને લઈને જુઓ શું કહ્યું
કોહલી-રોહિતે ગુમાવી વાર્ષિક કરોડોની આવક
ક્રિકબઝની રિપોર્ટ મુજબ, વિરાટ કોહલીને એમપીએલનો પ્રચાર કરવા માટે વાર્ષિક 175-200 કરોડ રૂપિયા મળતા હતા, જોકે હવે આ પ્લેટફોર્મ બંધ થવાથી હવે કોહલીને વાર્ષિક 200 કરોડ રૂપિયાની આવક ગુમાવી દીધી છે. રોહિત શર્મા ડ્રીમ-11થી વાર્ષિક 50-60 કરોડ રૂપિયાની કમાણી કરતો હતો, હવે તેણે કાયદાના કારણે આ વાર્ષિક આવક ગુમાવી દીધી છે. રોહિતની આ વર્ષની ડીલ અધવચ્ચે જ બંધ થતા તેને 6થી 7 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ જ રીતે ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ઓનલાઈન મની ગેમિંગનો પ્રચાર કરીને નાણાં કમાતા હતા, આવી સ્થિતિમાં કાયદાના કારણે હવે તમામની આ આવક બંધ થઈ ગઈ છે.
IPL, BCCI, એડવર્ટાઇઝિંગ ઈન્ડસ્ટ્રીને કરોડોનો ફટકો
ઓનલાઈન મની ગેમિંગ બંધ થવાના કારણે આઈપીએલને પણ નુકસાન થયું છે. My11 Circle આઈપીએલમાં એસોસિએટ સ્પોન્સર હોવાથી બીસીસીઆઈને 125 કરોડ રૂપિયા મળતા હતા અને આ માટે પાંચ વર્ષ સુધીની ડીલ કરવામાં આવી હતી, જેમાંથી બે વર્ષ પુરા થઈ ગયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને વાર્ષિક 10થી 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નવા કાયદાના કારણે એડવર્ટાઇઝિંગ ઈન્ડસ્ટ્રીને વાર્ષિક લગભગ 8000થી 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો : હાર્ટ સર્જરી બાદ ભારતના સ્ટાર ખેલાડીનું દમદાર કમબેક: 167ની સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા 435 રન

Leave a Reply