દેશના યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે હવે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા તમામ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે તૈયાર કરવામાં આવતા દિશાનિર્દેશો કોર્ટમાં રજૂ કરવાના રહેશે. સાથે જ, આ દિશાનિર્દેશો ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (NBSA) સાથે ચર્ચા કરીને તૈયાર કરવા સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ કર્યું છે. આ મામલાની અગામી સુનાવણી નવેમ્બરમાં યોજાશે.
સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. કોર્ટે કહ્યું કે ઈન્ફ્લુએન્સર્સ આ સ્વતંત્રતાનું વ્યાપારીકરણ કરી રહ્યા છે, જેનાથી દિવ્યાંગ, મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને લઘુમતી સમુદાયોની લાગણીઓને ઠેસ પહોંચે છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ બાબત પર કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે.
પોડકાસ્ટ જેવા ઓનલાઈન શો પણ આ નિયમો હેઠળ આવશે તેવી સ્પષ્ટતા થઈ છે. કોર્ટે જણાવ્યું કે રાષ્ટ્રીય પ્રસારણકર્તાઓ અને ડિજિટલ એસોસિએશન્સ સાથે મળીને આવા દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સમાજના વિવિધ વર્ગોના સન્માનપૂર્ણ જીવનના અધિકાર વચ્ચે સંતુલન જાળવે.
આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે કોર્ટ કોમેડિયન સમય રૈના વિરુદ્ધ દિવ્યાંગ વ્યક્તિઓ અંગે અપમાનજનક ટિપ્પણી કરવાના કેસની સુનાવણી કરી રહ્યા હતા. જસ્ટિસ બાગચીએ જણાવ્યું કે હાસ્ય જીવનનો ભાગ છે, પરંતુ સંવેદનશીલતાનું હનન ન થવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે દિશાનિર્દેશોમાં ઉલ્લંઘન માટે સ્પષ્ટ અને અસરકારક પરિણામો નક્કી કરવા જરૂરી છે, જેથી લોકો જવાબદારીથી બચી ન શકે.

Leave a Reply