સુરતમાં ચોમાસાની શરૂઆતથી જ રોગચાળાનો પ્રકોપ વધી રહ્યો છે અને કેટલાક લોકો પોતાની જિંદગી ગુમાવી ચૂક્યા છે. આ સ્થિતિને પગલે સુરત પાલિકાના વિપક્ષે પાલિકા તંત્ર અને શાસકો પર આરોપ લગાવ્યો છે. વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે કરાવવાનું, મેડિકલ ટીમ મોકલવાનું અને પીવાના પાણીના સેમ્પલ પરીક્ષણ કરવાનું જણાવ્યું છે.
સુરતમાં દૂષિત પાણી અને મચ્છરજન્ય રોગના કેસો છેલ્લા કેટલાક દિવસોમાં વધ્યાં છે. પાયલ સાકરીયાએ જણાવ્યું કે, દૂષિત પીવાના પાણીના કારણે ઝાડા, ઉલટી, ટાઇફોઇડ અને ડેંગ્યુના જીવલેણ કેસો નોંધાયા છે, જેના કારણે છેલ્લા એક માસમાં 16 લોકોની મૃત્યુ થઈ છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, પાલિકા અધિકારીઓ પણ ડેંગ્યુના અસરગ્રસ્ત થયા છે.
પાલિકા સંચાલિત સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જ રહી છે, જ્યારે પાલિકા તંત્ર આંકડાઓ જાહેર કરીને સંતોષ માનતું રહ્યું છે. વિપક્ષી પક્ષે રોગચાળો અટકાવવા માટે પ્રભાવી સફાઈ, પાણીના સેમ્પલ ચકાસણી, કામગીરીની માહિતી અને રોગચાળા તેમજ મૃત્યુના આંકડા જાહેર કરવાની પણ માંગણી કરી છે.

Leave a Reply