ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીના સપ્રુ હાઉસ ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ઓશન ઓફ પીસ લેકચરમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાબુકાએ શ્રોતાઓ સાથેની ચર્ચામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર લગાવવામાં આવેલા 50% ટેરિફને લઈને કટાક્ષ કર્યો.
રાબુકાએ જણાવ્યું કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમની મુલાકાત દરમિયાન અમેરિકન ટેરિફ મુદ્દે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું, “કોઈ તમારાથી ખુશ નથી, પણ તમે એટલા મોટા અને શક્તિશાળી છો કે આ પડકારોને પાર કરી શકશો.”
અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર 50% ટેરિફ અને રશિયન તેલ ખરીદીના કારણે વધારાના 25% ટેક્સ લગાવવામાં આવ્યો છે, જે 27 ઓગસ્ટથી લાગુ થયો છે. આ પગલાનો અસર ઝીંગા, ચામડા, કપડાં અને રત્ન-આભૂષણ જેવા શ્રમ આધારિત નિકાસ ક્ષેત્રો પર ગંભીર થશે.
રાબુકાની મુલાકાત દરમિયાન ભારત અને ફિજી વચ્ચે દરિયાઈ સુરક્ષા, વેપાર, આરોગ્ય, ડિજિટલ ટેકનોલોજી અને ક્ષમતા વિકાસ સહિતના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા માટે ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદી અને રાબુકા વચ્ચે થયેલી બેઠક બાદ બંને દેશોએ સાત કરારો પર હસ્તાક્ષર કર્યા. બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિપૂર્ણ અને સમાવેશી વાતાવરણ બનાવવા માટે સહયોગ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
ICWAના કાર્યક્રમમાં રાબુકાએ પોતાના ઓસેન ઓફ પિસ વિઝન પર ભાર મૂક્યો, જે પ્રશાંત વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા લાવવાનો પ્રયાસ કરે છે. તેમણે ભારતને આ પ્રયાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો અને જણાવ્યું કે ફિજી તથા ભારત મળીને પ્રશાંતને “શાંતિનો સાગર” બનાવી શકે છે, જે વૈશ્વિક શાંતિ માટે પણ યોગદાન આપશે.
રાબુકાએ ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી અને આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિને સમર્થન આપ્યું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા માટે ફિજીનું સમર્થન પુનરાવર્તિત કર્યું.

Leave a Reply