જમ્મુ-કાશ્મીર ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને પૂર ચેતવણી આપી, દોઢ લાખ લોકો ખસેડાયા

જમ્મુ-કાશ્મીર ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને પૂર ચેતવણી આપી, દોઢ લાખ લોકો ખસેડાયા

ભારતે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં પાડોશી દેશ પાકિસ્તાનને પૂરનાં સંભવિત ખતરા અંગે ચેતવણી આપી છે. આ ચેતવણી બાદ પાકિસ્તાની પ્રશાસને તાત્કાલિક પગલાં લઈ લગભગ દોઢ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.

આ ઘટના જમ્મુ-કાશ્મીરના તાવી નદીના વધતા જળસ્તરને કારણે બની છે, જેના કારણે નદીનું પાણી સરહદ પાર પાકિસ્તાનમાં પ્રવેશી શકે છે. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો હોવા છતાં, ભારતની આ પહેલ માનવતાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભારતના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશન મારફતે પાકિસ્તાનને જાણ કરી હતી કે જમ્મુમાં તાવી નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે અને પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને અસ્થાયી રીતે સ્થગિત કરી દીધી હતી, તેમ છતાં ભારતે સ્પષ્ટ કર્યું કે આ ચેતવણી ફક્ત માનવતાના આધાર પર આપવામાં આવી છે અને તેનો સિંધુ જળ સંધિ સાથે કોઈ સંબંધ નથી.

ભારતની ચેતવણી બાદ પાકિસ્તાનના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (NDMA)એ તરત જ પૂરનું ઍલર્ટ જાહેર કર્યું. પંજાબમાં ભારે વરસાદ અને વધેલા જળસ્તરને કારણે છેલ્લા 24 કલાકમાં કસૂર, ઓકારા, પાકપટ્ટન, બહાવલનગર અને વેહારી જિલ્લામાં નદી કિનારે રહેતાં લગભગ 20,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાની પ્રશાસને રાહત શિબિરો સ્થાપિત કરી છે અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરી છે. NDMAએ આગામી 48 કલાકમાં ભારે વરસાદની નવી ચેતવણી પણ આપી છે, જેના કારણે ઇસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર અને ગુજરાંવાલા જેવા વિસ્તારોમાં પૂરનો ખતરો છે.

સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી મામલાના સંકલન કાર્યાલય (OCHA) મુજબ, આ વર્ષે જૂનથી શરુ થયેલા ચોમાસામાં પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થયા છે અને 190થી વધુ લોકો ઘાયલ થયા છે. અંદાજ મુજબ, અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યા છે. ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતોમાં પરિસ્થિતિ ગંભીર છે, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર નકારાત્મક અસર પડી રહી છે. યુનિસેફના અહેવાલ મુજબ, 15મી ઑગસ્ટ પછી ખૈબર પખ્તુનખ્વામાં 21 બાળકોના મોત થયા છે.

 

Leave a Reply

Your email address will not be published.