કોચી: સાઉથ ફિલ્મ્સના જાણીતા અભિનેતા અને ટીવી હોસ્ટ રાજેશ કેશવ લાઇવ ઇવેન્ટ દરમિયાન અચાનક સ્ટેજ પર ઢળી પડ્યા હતા. રિપોર્ટ અનુસાર, 24 ઓગસ્ટ રવિવારની રાત્રે થયેલા કાર્યક્રમ દરમિયાન તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, જેના કારણે તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું. હાલમાં તેમની સ્થિતિ ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર શ્વાસ લઈ રહ્યા છે. ચાહકો તેમની આરોગ્યસંભાળ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
હૉસ્પિટલમાં દાખલ થતાં જ ડોક્ટરો દ્વારા તરત જ તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે કાર્ડિયાક અરેસ્ટ પછી રાજેશની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી છે. ડોક્ટરો જણાવે છે કે આગામી 72 કલાક તેમની સ્થિતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
ફિલ્મમેકર અને ડિરેક્ટર પ્રતાપ જયલક્ષ્મીએ પણ સોશિયલ મીડિયા પર રાજેશનો ફોટો શેર કર્યો અને તેમની હાલત વિશે માહિતી આપી. તેમણે લખ્યું કે, “રાજેશ અત્યારે મશીનોના સહારે શ્વાસ લઈ રહ્યા છે. જે વ્યક્તિ હંમેશા સ્ટેજ પર ખુશીઓ ફેલાવતો હતો, આજે તે શાંત છે.”
રાજેશ કેશવના કારકિર્દીની વાત કરીએ તો તેમણે જયસૂર્યા, અનૂપ મેનન અને મેઘના રાજની ફિલ્મોમાં અભિનય કર્યો છે. આમાં બ્યુટીફુલ (2011), હોટેલ કેલિફોર્નિયા (2013), ની-ના (2015) અને થટ્ટુમ પુરથ અચુથન (2018) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના ફિલ્મી જીવનમાં તેમણે તમન્ના, મોહનલાલ, સંજય દત્ત, ત્રિશા કૃષ્ણન, કમલ હાસન, સૂર્યા, રશ્મિકા મંદાના જેવા કલાકારો સાથે સ્ટેજ શેર કર્યો છે.

Leave a Reply