અમદાવાદમાં 885 ભાવિકોની ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા પૂર્ણ, રિવરફ્રન્ટ પર થશે ભવ્ય પારણાંનો કાર્યક્રમ

અમદાવાદમાં 885 ભાવિકોની ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા પૂર્ણ, રિવરફ્રન્ટ પર થશે ભવ્ય પારણાંનો કાર્યક્રમ

જૈન સમાજના ચાતુર્માસ દરમિયાન અમદાવાદમાં ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા યોજાઈ રહી છે, જેમાં 885 ભાવિકોએ સામૂહિક માસક્ષમણ કરીને અનોખી પ્રેરણા આપી છે. આ પ્રસંગે તપસ્વીઓનો ભવ્ય વરઘોડો યોજાયો હતો અને હવે 15 ઓગસ્ટ, શુક્રવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર પારણાંનું ભવ્ય આયોજન કરાયું છે. સવારે 8:30 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં શહેર સહિત સમગ્ર જૈન સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે.

શાસન પ્રભાવક જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યોની પ્રેરણાથી યોજાયેલી આ તપશ્ચર્યામાં 885 તપસ્વીઓએ સતત 30 દિવસના ઉપવાસ કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ તપશ્ચર્યામાં 11થી 14 વર્ષના બાળકો, ડૉક્ટર, સી.એ. અને 84 વર્ષના વૃદ્ધ તપસ્વીઓનો પણ સમાવેશ થાય છે. 13 ઓગસ્ટે તપસ્વીઓને સુવર્ણ હાર અર્પણ કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ માસક્ષમણ તપમાં કેટલાક તપસ્વીઓએ 180 અને 108 ઉપવાસ જેવા કઠોર ઉપવાસ કર્યા છે. શુક્રવારના રોજ તેમની સળંગ 152મી અને 82મી ઉપવાસની તારીખ હશે. આ ઉપરાંત 70, 50, 45 અને 36 ઉપવાસ કરનાર તપસ્વીઓ પણ છે. બે નવા દીક્ષિતો દ્વારા પણ માસક્ષમણ આરાધના થઈ છે, તેમજ એક તપસ્વીએ તો પાણીનો ત્યાગ કરીને ચોવિહાર માસક્ષમણ કર્યું છે.

જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજીએ જણાવ્યું કે, છેલ્લા 8 ચાતુર્માસમાં વિવિધ શહેરોમાં સામૂહિક માસક્ષમણ કરાવ્યા છે અને આ નવમું ચાતુર્માસ છે. અત્યાર સુધી તેમની નિશ્રામાં કુલ 3198 માસક્ષમણ થયા છે, જેમાં અમદાવાદની સંખ્યા સૌથી વધુ છે. આ આયોજન માટે પાંચ સંઘો તેમજ અનેક આચાર્યો અને શિષ્યોનો વિશેષ પુરુષાર્થ રહ્યો છે.

14 ઓગસ્ટે વાસણાથી રિવરફ્રન્ટ સુધી તપયાત્રા વરઘોડો યોજાયો હતો અને હવે 15 ઓગસ્ટે રિવરફ્રન્ટ પર નિર્મિત ધર્મ-સૂર્યોદય તપનગરમાં ભવ્ય પારણાંનો કાર્યક્રમ યોજાશે.

 

Leave a Reply

Your email address will not be published.