તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર મુખ્ય કારણ છે. બાળકોના અભાવે ઘણી સરકારી શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. જો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આવશે તો શાળાઓ ફરી શરૂ કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ઘટતો જન્મ દર એડમિશનમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. આંકડાઓ દર્શાવે છે કે તમિલનાડુનો કુલ પ્રજનન દર 2011 થી 2015 દરમિયાન 1.68 ટકા હતો, જે 2021-2025માં ઘટીને 1.54 ટકા થયો છે. જન્મદર ઘટવાના કારણે બાળકોની સંખ્યા પણ ઓછી થઈ છે. 2011માં આશરે 10.7 લાખ બાળકોનો જન્મ થયો હતો, જ્યારે 2023માં 9.02 લાખ અને 2024માં માત્ર 8.46 લાખ જન્મ નોંધાયા છે.
રાજ્યના ઘણા વિસ્તારોમાં માતાપિતા પોતાના બાળકોને સારી શિક્ષણ માટે શહેર લઈ જતા હોવાથી પણ આ સમસ્યા વધી છે. ખાસ કરીને 1204 શાળાઓમાં કોઈ એડમિશન નથી, જેમાંથી 208 સરકારી શાળાઓ છે અને મોટાભાગે દૂરના વિસ્તારોમાં આવેલી છે. ઘણા પરિવારો પોતાના બાળકોને ખાનગી શાળામાં દાખલ કરવાનું પસંદ કરે છે.
હાલમાં તમિલનાડુમાં કુલ 37,595 સરકારી શાળાઓ છે, જેમાં 42.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે ધોરણ 1માં આશરે 4,07,379 વિદ્યાર્થીઓનું એડમિશન થયું છે. સરકારી આંકડા મુજબ 2024-25માં સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતાં લગભગ 1.75 લાખ વધુ વિદ્યાર્થીઓ છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આગામી વર્ષોમાં સરકારી શાળાઓમાં એડમિશન વધારવા માટે પ્રયાસ કરવામાં આવશે.

Leave a Reply