જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલ માતા ચંડીના મંદિર તરફ જતી મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે ભારે ત્રાસદી સર્જાઈ. બપોરના લગભગ 12:30 વાગ્યે ચિશોતી વિસ્તારના પર્વતો પર અચાનક વાદળ ફાટતાં ભારે પૂર આવ્યું. આ પૂરે સાથે સાથે કાદવ અને કાટમાળ વહન કરીને આખા વિસ્તારને ધોઈ નાંખ્યો.
આ વિપત્તિમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 120થી વધુ ઘાયલ થયા છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે હજુ પણ 200થી વધુ લોકો ગુમ છે, જેમાં યાત્રાળુઓ, લંગર સેવાકાર્યમાં જોડાયેલા કર્મચારીઓ અને સુરક્ષા દળના જવાનો પણ સામેલ છે.
ઘટનાસ્થળેથી અત્યાર સુધી 167 લોકોને બચાવવામાં આવ્યા છે. બચાવ અને રાહત કાર્યમાં સેના, એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસન સતત કાર્યરત છે. રાત્રિના સમયે અંધારાને કારણે રેસ્ક્યૂમાં વિઘ્ન પડ્યું હતું, પરંતુ શુક્રવારે સવારે ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે.
મચૈલ યાત્રા, જે 25 જુલાઈથી શરૂ થઈ હતી અને 5 સપ્ટેમ્બર સુધી ચાલવાની હતી, તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે અગાઉથી જ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી આપી હતી. ચિશોતી ગામનો મોટો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
આ ઘટના ઉત્તરકાશી ખાતે થયેલી તાજેતરની ધરાલી ત્રાસદીને યાદ અપાવે છે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા રાહતના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Leave a Reply