જીએસએફસીના બરતરફ કામદારોએ છ મહિનાથી અટકેલા વેતન મુદ્દે ધરણાં યોજ્યા

જીએસએફસીના બરતરફ કામદારોએ છ મહિનાથી અટકેલા વેતન મુદ્દે ધરણાં યોજ્યા

જીએસએફસી કંપનીમાંથી બરતરફ કરાયેલા કામદારોને વેતન ચૂકવવા કોર્ટના આદેશ હોવા છતાં, છેલ્લા છ મહિનાથી વેતન ન મળતાં આજે કામદારો કંપનીના મુખ્ય દરવાજા પાસે ધરણાં પર બેઠા. વર્ષ 2001થી ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીન વિભાગમાં કાર્યરત 105 જેટલા કામદારોને 2020માં બરતરફ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ કોર્ટમાં ગયા બાદ કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને વેતન ચૂકવવા આદેશ આપ્યો હતો, જ્યારે બાકી 30 જેટલા કર્મચારીઓનો દાવો હજી પેન્ડિંગ છે.

કંપની કોર્ટના આદેશ મુજબ વેતન ચૂકવી રહી હતી, પરંતુ ફેબ્રુઆરી 2025થી કંપનીએ ચૂકવણી અટકાવી દીધી, જેના કારણે કામદારો આર્થિક સંકટમાં મુકાયા. આ મુદ્દે આજે કામદારો કંપનીના ગેટ પર એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ સ્થળ પર પહોંચ્યા અને કંપની અધિકારીઓ સાથે બેઠક યોજી.

બેઠક દરમિયાન કંપનીએ જવાબ આપવા માટે બે દિવસનો સમય માંગી લીધો. કામદારોનું કહેવું છે કે, જ્યાં સુધી સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી ધરણાં યથાવત રહેશે. ધારાસભ્યએ જણાવ્યું કે, કંપનીએ કોર્ટના આદેશનું પાલન કરવું જ પડશે, નહીં તો સમાધાન માટે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. ધરણાને કારણે સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

 

Leave a Reply

Your email address will not be published.