અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેની એક ખાનગી વાતચીતનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ટ્રમ્પ પુતિનની શાંતિ યોજનાનો ઉલ્લેખ કરે છે. આ ઘટના 18 ઓગસ્ટે યુરોપિયન નેતાઓ સાથેની મહત્ત્વપૂર્ણ બહુપક્ષીય બેઠક પહેલાં બની હતી. ટ્રમ્પે મેક્રોન સાથેની વાતમાં કહ્યું હતું, “મને લાગે છે કે રશિયાના પ્રમુખ ડીલ કરવા ઈચ્છે છે, કદાચ મારા માટે પણ એક ડીલ છે.” હોટ માઈકમાં કેદ થયેલી આ વાતચીત પરથી અનુમાન થાય છે કે પુતિન યુદ્ધવિરામ માટે તૈયાર હોઈ શકે છે.
ટ્રમ્પે આ બેઠક પહેલાં શુક્રવારે પુતિન સાથે મુલાકાત કરી હતી, જેને તેમણે સકારાત્મક ગણાવી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, પુતિન વિવિધ શરતો પર યુદ્ધવિરામ કરવા તૈયાર છે, પરંતુ કોઈ ડીલ ન થાય ત્યાં સુધી અંતિમ નિર્ણય નહીં લેવાય. બહુપક્ષીય બેઠકમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ઈટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફિનલેન્ડના પ્રમુખ એલેકઝેન્ડર સ્ટબ અને નાટો સેક્રેટરી જનરલ માર્ક રૂટ સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં યુક્રેનની સુરક્ષા ગેરેંટી અને યુદ્ધ સમાપ્તિના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેન અમેરિકા પાસેથી 90 અબજ ડોલરના હથિયારો ખરીદશે.

Leave a Reply