રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા

રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા

રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન પર વધારાનો ચાર્જ લેવામાં આવશે. પરંતુ વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેન મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તે દાયકાઓ પહેલાંથી નક્કી કરાયેલા નિયમ મુજબ છે અને તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જુદા જુદા કોચ માટે મફત સામાનની મર્યાદા અલગ છે — ફર્સ્ટ ક્લાસ એસી માટે 70 કિલો, એસી સેકન્ડ ક્લાસ માટે 50 કિલો અને થર્ડ એસી તેમજ સ્લિપર ક્લાસ માટે 40 કિલો સુધી મફત મર્યાદા છે. જો તેનાથી વધારે સામાન હશે તો બુકિંગ કરાવવું પડશે. ઉપરાંત, જનરલ ટિકિટ પર મુસાફરી કરતી વખતે મફત મર્યાદા 35 કિલો સુધી રહેશે.

ઉત્તર રેલવે અને ઉત્તર-મધ્ય રેલવેએ લખનૌ, પ્રયાગરાજ સહિતના કેટલાક સ્ટેશનો પર સામાનના વજન ચકાસવા માટે ઈલેક્ટ્રોનિક લગેજ મશીન લગાવવાની યોજના જાહેર કરી હતી. જો બેગના કદમાં અતિરેક હશે તો દંડ વસૂલવાનો પણ ઉલ્લેખ અહેવાલોમાં કરવામાં આવ્યો હતો.

જોકે હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ તમામ અહેવાલોને રદ કરી સ્પષ્ટ કર્યું છે કે કોઈ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા નથી અને મુસાફરો પર વધારાના સામાન માટે કોઈ દંડ લાગુ નહીં થાય.

 

Leave a Reply

Your email address will not be published.