ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ

ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ

ભારત અને ચીન વચ્ચે લિપુલેખ માર્ગ દ્વારા સરહદી વેપાર ફરી શરૂ કરવા માટે થયેલા કરાર બાદ નેપાળે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નેપાળે આ વિસ્તારને પોતાનો અભિન્ન ભાગ ગણાવ્યો છે અને જણાવ્યું કે તે તેના સત્તાવાર નકશામાં દર્શાવવામાં આવ્યો છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની મહાકાલી નદીના પૂર્વમાં આવેલા છે અને તે નેપાળનો હિસ્સો છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નેપાળના દાવાને પાયા વિનાનો ગણાવ્યો. તેમણે કહ્યું કે લિપુલેખ ઘાટથી સરહદી વેપાર 1954થી ચાલી રહ્યો છે અને તે દાયકાઓથી પરંપરા મુજબ થઈ રહ્યો છે. કોવિડ અને અન્ય કારણોસર તે બંધ થયો હતો, પરંતુ હવે ફરી શરૂ કરાયો છે. ભારતે સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારના એકતરફી દાવા સ્વીકારવામાં નહીં આવે.

મંગળવારે નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે થયેલી બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત દસ્તાવેજમાં જણાવાયું હતું કે બંને દેશો લિપુલેખ ઘાટ, શિપકી લા ઘાટ અને નાથુ લા ઘાટ મારફતે વેપાર ફરી શરૂ કરશે.

નેપાળે આ જાહેરાત પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તેણે ભારતને આ વિસ્તારમા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન કરવા વિનંતી કરી હતી. નેપાળે દાવો કર્યો કે આ વિસ્તાર તેના રાજકીય નકશાનો ભાગ છે અને વિવાદનું સમાધાન રાજદ્વારી માધ્યમથી કરવું જોઈએ.

લિપુલેખ ભારત, નેપાળ અને ચીનની ત્રિજંક્શન પાસે આવેલો છે. ભારત તેને ઉત્તરાખંડનો ભાગ માને છે, જ્યારે નેપાળ તેને પોતાનો ભાગ ગણે છે. 2019માં ભારતના નવા નકશામાં આ વિસ્તાર દર્શાવાયા બાદ 2020માં નેપાળે પોતાના બંધારણમાં સુધારો કરીને લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધૂરા સમાવેશ કર્યો હતો. ભારતે તેને એકતરફી પગલું ગણાવીને નેપાળના દાવાનો ઇન્કાર કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published.