દક્ષિણ એશિયામાં પહેલેથી જ એકલવાયું બનેલું પાકિસ્તાન હવે બાંગ્લાદેશના કડક વલણનો સામનો કરી રહ્યું છે. ઢાકાએ સ્પષ્ટ કહી દીધું છે કે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય સમજૂતી કે સંબંધોને મજબૂત બનાવવા પહેલા પાકિસ્તાનને 1971ના નરસંહાર બદલ ઔપચારિક લેખિત માફી માગવી પડશે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને આ માંગણી રવિવારે ઢાકામાં યોજાયેલી એક બેઠકમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર સમક્ષ રજૂ કરી હતી.
બેઠક બાદ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે 1971ના નરસંહાર માટેની ઔપચારિક માફી, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની સંપત્તિ વિભાજન સંબંધિત મુદ્દો, 1970ના ચક્રવાત પીડિતોને આપવામાં આવેલી વિદેશી સહાયનું ટ્રાન્સફર, તેમજ બાંગ્લાદેશમાં અટવાયેલા પાકિસ્તાનીઓની વતન પરત જેવી ઐતિહાસિક સમસ્યાઓને ઝડપથી ઉકેલવી જરૂરી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આવા ઐતિહાસિક મુદ્દાઓના ઉકેલ દ્વારા જ બંને દેશો વચ્ચે સ્થિર અને મજબૂત સંબંધોનો આધાર ઉભો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર 23 થી 24 ઑગસ્ટ દરમિયાન બાંગ્લાદેશની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ તેમજ અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન બંને દેશોએ કરારો અને પાંચ મહત્વપૂર્ણ સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કર્યા. આ સમારોહ ઢાકામાં યોજાયો હતો, જેમાં બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈન અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર ઉપસ્થિત રહ્યા હતા.
બાંગ્લાદેશે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું છે કે ઇતિહાસના અધૂરા ઘા સાજા કર્યા વગર નવી શરૂઆત શક્ય નથી. પાકિસ્તાન માટે આ સંદેશ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply