બિહારના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત વોટર લિસ્ટને સુધારવાના હાહાકાર વચ્ચે, ચૂંટણી પંચે દેશના તમામ નાગરિકોને પાંચ પ્રશ્નો પૂછ્યા છે અને તેમની સહભાગીદારીની માગણી કરી છે. આ સવાલો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો હેતુ ધરાવે છે, જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય.
ચૂંટણી પંચે મતદારોને પૂછેલા પાંચ મુખ્ય સવાલો આ પ્રમાણે છે:
- શું વોટર લિસ્ટની ગહન તપાસ થવી જોઈએ?
- શું મૃતકોના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ?
- જો કોઈનું નામ વોટર લિસ્ટમાં બે કે તેથી વધુ જગ્યાએ હોય, તો શું તેને એક જ જગ્યાએ રાખવું જોઈએ?
- જે લોકો બીજી જગ્યાએ ગયા છે, તેમના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ?
- શું ઘૂસણખોરોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવા જોઈએ?
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, જો નાગરિકો આ સવાલોના જવાબ ‘હા’ આપે, તો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું તૈયાર કરવાના કાર્યમાં તેમને સહયોગ આપવો જોઈએ. છેલ્લા છ મહિનામાં વોટર લિસ્ટને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચે 28 નક્કર પગલાં લીધા છે અને તમામ રાજકીય પક્ષો સાથે નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.
અત્યારે ચૂંટણી પંચે પેટા વિભાગ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય પક્ષો સાથે 4719 બેઠકનો આયોજન કરવામા આવ્યુ છે. આ બેઠકમાં 28,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં 40 બેઠક મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા, 800 બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા અને 3879 બેઠક મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા યોજાઈ હતી.

Leave a Reply