Image Source: Twitter
R Ashwin Retires From IPL: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ટીમ ઈન્ડિયાના ટોપના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હવે આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. આ સાથે જ ક્રિકેટમાં તેનું પ્રોફેશનલ કરિયર પણ ખતમ થઈ ગયું છે. આ વર્ષે ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)માં વાપસી કરનાર અશ્વિને આઈપીએલમાં પોતાની છેલ્લી મેચ પણ એ જ ટીમ માટે રમી હતી, જ્યાં તેણે 2009માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અશ્વિનનો IPL છોડવાનો નિર્ણય આશ્ચર્યજનક છે, કારણ કે 2026ના ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સમાં તેની વાપસીની અફવાઓ હતી.
x પર પોસ્ટ કરી જાણકારી આપી
અશ્વિને X પર પોસ્ટ કરીને IPLથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટમાં મારો સમય હવે ખતમ થઈ ગયો છે, પરંતુ આ તબક્કો એક નવા અધ્યાયની શરૂઆત છે, જેનાથી તે વિશ્વભરની લીગ્સને એક્સપ્લોર કરશે. તેણે લખ્યું કે, ‘ખાસ દિવસ અને તેથી એક ખાસ શરૂઆત. કહેવાય છે ને કે, દરેક અંતની એક નવી શરૂઆત હોય છે. IPL ક્રિકેટર તરીકે મારો સફર આજે સમાપ્ત થઈ ગયો છે, પરંતુ વિશ્વભરની લીગ્સમાં ખેલને એક્સપ્લોર કરવાનો મારો સમય આજથી શરૂ થઈ રહ્યો છે.’
અશ્વિને આગળ લખ્યું કે, ‘હું વર્ષોથી મળેલી અદભૂત યાદો અને સબંધો માટે તમામ ફ્રેન્ચાઈઝીનો આભાર માનું છું. સૌથી વધુ IPL અને BCCIનો તેમણે મને અત્યારસુધી ઘણુ આપ્યું છે. હું ભવિષ્ય માટે ખૂબ ઉત્સુક છું.’
BCCIની પોલિસી પ્રમાણે કોઈ પણ ઈન્ડિયન ક્રિકેટર વિદેશી લીગ્સમાં ત્યાં સુધી નથી રમી શકતો જ્યાં સુધી તે ઈન્ટરનેશલ ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ બંનેમાંથી સંન્યાસ ન લઈ લે. IPL છોડવાનો અશ્વિનનો આ નિર્ણય વિશ્વના અલગ-અલગ ભાગોમાં ક્રિકેટ રમવાની તેની ઈચ્છા સાથે જોડાયેલો લીગી રહ્યો છે.
આ પણ વાંચો: દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિનું કર્યું એલાન, જણાવ્યો ભવિષ્યનો પ્લાન
અશ્વિનનું IPL કરિયર
અશ્વિને 2009માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન 17 વર્ષના કરિયરમાં તેણે કુલ 221 મેચ રમી અને 187 વિકેટ ઝડપી. IPLમાં તેની બોલિંગ એવરેજ 30.22, ઈકોનોમી રેટ 7.20 અને સ્ટ્રાઈક રેટ 25.2 રહ્યો હતો. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4/34 હતું અને તેણે એક વખત 4 વિકેટ હોલ કરી હતી. કરિયરના અંતમાં અશ્વિન બેટથી પણ ખૂબ ઉપયોગી સાબિત થયો. તેણે 92 ઈનિંગ્સમાં 833 રન બનાવ્યા. તેની બેટિંગ એવરેજ 13.01 અને સ્ટ્રાઈક રેટ 118.15 હતો. IPLમાં તેનો સર્વોચ્ચ સ્કોર 50 છે.

Leave a Reply