નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળોના 700થી વધુ જવાનો ઇજિપ્તમાં યોજાનારા બહુરાષ્ટ્રીય લશ્કરી અભ્યાસ ‘બ્રાઇટ સ્ટાર 2025’માં ભાગ લેશે. આ અભ્યાસમાં ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના સંયુક્ત પ્રયત્નો જોવા મળશે. અમેરિકાની આગેવાની હેઠળ થનારી આ કવાયત ઇજિપ્તમાં યોજાશે અને તે મધ્યપૂર્વનો સૌથી મોટો લશ્કરી અભ્યાસ ગણાય છે.
આ સંયુક્ત યુદ્ધાભ્યાસમાં કુલ 43 દેશ ભાગ લેશે. તેમાંના 13 દેશના આશરે 8,000 સૈનિક સીધા ભાગ લેશે, જ્યારે બાકીના 30 દેશ નિરીક્ષક તરીકે જોડાશે. આ કવાયત જુદી-જુદી લશ્કરી પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત રહેશે અને ત્રણેય લશ્કરોની ક્ષમતાનું પ્રદર્શન કરશે.
ઓપરેશન બ્રાઇટ સ્ટારની શરૂઆત 1980માં અમેરિકા અને ઇજિપ્ત વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ તરીકે થઈ હતી, પરંતુ હવે તે બહુપક્ષીય અભ્યાસ બની ગયો છે. આ અભ્યાસ દર બે વર્ષે યોજાય છે. 2023માં ભારતે પહેલી વખત આ અભ્યાસમાં ભાગ લીધો હતો, જેમાં 34 દેશ જોડાયા હતા, જ્યારે 2025માં દેશોની સંખ્યા વધીને 43 થઈ ગઈ છે.
ભારતીય સશસ્ત્ર દળોની આ ભાગીદારી ભારતની વૈશ્વિક ભૂમિકાને મજબૂત બનાવે છે. ઇજિપ્તના પ્રવક્તા અનુસાર આ કવાયત આધુનિક સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે સંયુક્ત પ્રયાસ છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ પ્રધાન અને પીએમ નરેન્દ્ર મોદીના ઇજિપ્ત પ્રવાસ બાદ બંને દેશોના સંબંધો વધુ મજબૂત થયા છે.

Leave a Reply