દીકરીના જન્મદિવસની ખુશી શોકમાં ફેરવાઈ: વિરારમાં ઈમારત ધરાશાયી, 15ના મોત

દીકરીના જન્મદિવસની ખુશી શોકમાં ફેરવાઈ: વિરારમાં ઈમારત ધરાશાયી, 15ના મોત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા વિરાર (પૂર્વ)માં એક ભયાનક દુર્ઘટના બની છે, જ્યાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતા 15 લોકોના મોત થયા છે. ઘટના વિજયનગર વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટમાં બની, જ્યાં જૉયલ પરિવાર તેમની દીકરી ઉત્કર્ષાના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. ઘરમાં સજાવટ કરવામાં આવી હતી અને કેક કાપી ઉજવણી ચાલી રહી હતી. પરંતુ કેક કાપ્યાના માત્ર પાંચ મિનિટ પછી ઇમારતનો પાછળનો ભાગ ધરાશાયી થતાં આનંદનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો.

આ દુર્ઘટનામાં માસૂમ ઉત્કર્ષ અને તેની માતા આરોહી જૉયલનું મોત થયું, જ્યારે પિતા ઓમકાર જૉયલ હજુ કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના પછી સ્થાનિક લોકોએ તાત્કાલિક હિંમત બતાવી અને કાટમાળમાંથી સાત લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જેમને ઈજા થતાં વિરાર અને નાલાસોપારાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે છતાં NDRFની 5મી બટાલિયનની બે ટીમો, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ બચાવ કામગીરીમાં તનતોડ મહેનત કરી રહી છે.

વસઈ-વિરાર વિસ્તારમાં ગેરકાયદે અને અનધિકૃત બાંધકામો લોકોના જીવન માટે મોટો ખતરો સાબિત થઈ રહ્યા છે. માત્ર 15 દિવસ પહેલા ગેરકાયદે બાંધકામમાં કાચનો સ્લેબ પડતાં બે મજૂરોના મોત થયા હતા. આથી સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

વિરાર પોલીસે આ ઘટનામાં બિલ્ડર નીતલ ગોપીનાથ સાને અને જમીન માલિક સામે મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 52, 53 અને 54 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 હેઠળ FIR નોંધાવી છે. જોકે, આ મામલે હજુ કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

 

Leave a Reply

Your email address will not be published.