વાહન રજિસ્ટ્રેશન, લાયસન્સ અને ચાલાન ડેટા માટે સરકારના નવા નિયમ: જાણો સંપૂર્ણ વિગતો

વાહન રજિસ્ટ્રેશન, લાયસન્સ અને ચાલાન ડેટા માટે સરકારના નવા નિયમ: જાણો સંપૂર્ણ વિગતો

કેન્દ્ર સરકારે વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાયસન્સ, ચાલાન અને રોડ અકસ્માત સંબંધિત ડેટા માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ દેશના તમામ વાહનવ્યવહાર ડેટાનો સમાવેશ કરતી ‘નેશનલ ટ્રાન્સપોર્ટ રિપોઝિટરી’ (NTR)ની રચના કરવામાં આવી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ મહિને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ નવી નીતિ મોકલી આપી છે.

NTR ડેટાબેઝમાં પાંચ મુખ્ય ડિજિટલ સેવાઓનો ડેટા સામેલ છે – વાહન (Vahan), સારથી (Sarathi), ઈ-ચાલાન, eDAR (ઈલેક્ટ્રોનિક એક્સિડન્ટ રિપોર્ટ) અને FASTag. હાલમાં આ ડેટાબેઝમાં 39 કરોડથી વધુ વાહનોના રજિસ્ટ્રેશન રેકોર્ડ અને 22 કરોડથી વધુ ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી ઉપલબ્ધ છે, જેને દેશનું સૌથી મોટું સરકારી ડેટાબેઝ માનવામાં આવે છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોની ગોપનીયતા સંપૂર્ણ રીતે જાળવવામાં આવશે અને આ નિયમો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 અને મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ લાગુ પડશે. દરેકને તેના કાર્ય સાથે સંબંધિત ડેટાની જ એક્સેસ મળશે અને જરૂરી હોય ત્યાં નાગરિકની સંમતિ ફરજિયાત રહેશે.

નવી નીતિ અનુસાર પોલીસ અને તપાસ એજન્સીઓને સમગ્ર ડેટાબેઝની પહોંચ મળશે, જ્યારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફક્ત તેમના ક્ષેત્રનો જ ડેટા જોવા મળશે. સંશોધન સંસ્થાઓને માત્ર નામ વગરનો ડેટા આપવામાં આવશે, અને સામાન્ય નાગરિકો એમપરિવહન અને ડિજીલોકર જેવી એપ્સ પર દિવસમાં માત્ર ત્રણ વખત જ માહિતી ચકાસી શકશે. વીમા કંપનીઓ, બેંકો અને અન્ય ખાનગી સંસ્થાઓને ફક્ત નાગરિકની સંમતિના આધારે જ ડેટાની એક્સેસ મળશે અને તે માટે કડક સુરક્ષા નિયમો લાગુ થશે.

ડેટા શેરિંગ માટે સૌથી સુરક્ષિત પદ્ધતિ તરીકે API-આધારિત એક્સેસનો ઉપયોગ થશે, જેમાં ઓથેન્ટિકેશન, એન્ક્રિપ્શન અને IP વ્હાઇટલિસ્ટિંગ જેવી સુવિધાઓ રહેશે. સરકારી વિભાગોને આધાર-વેરિફાઇડ પોર્ટલ મારફતે ડેટા મળશે, જ્યારે ખાનગી સંસ્થાઓને ફક્ત સંમતિ બાદ જ ડેટા આપવામાં આવશે. મોટા પાયે ડેટા ટ્રાન્સફર ફક્ત ખાસ કિસ્સાઓમાં અને સંપૂર્ણ સુરક્ષા સાથે થશે.

 

Leave a Reply

Your email address will not be published.