Harbhajan Singh: 9 સપ્ટેમ્બરથી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. ભારતની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે છે, જ્યારે બીજી મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે છે. જોકે, પહલગામ આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચનો વિરોધ વધુ તેજ બન્યો છે.
આ મુદ્દે રાજકીય પક્ષો અને ખેલાડીઓ પણ અવાજ ઉઠાવી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ તો સંસદમાં પણ આ મેચ રદ કરવાની માંગ કરી હતી. એક દિવસ પહેલા જ શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ પણ BCCI અને સરકારની ઝાટકણી કાઢી હતી. હવે ઓફ-સ્પિનર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે પણ આવી જ માંગ કરી છે.
પાકિસ્તાન સામે મેચ રદ કરવાની હરભજન સિંહની માંગ
એક ઈન્ટરવ્યૂમાં હરભજન સિંહે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા બહાદુર જવાનોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવો જોઈએ. લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી. આપણે તેમને આટલું મહત્ત્વ કેમ આપીએ છીએ? આપણા જવાનો ઘરે પાછા આવતા નથી અને આપણે ક્રિકેટ રમવા જઈએ છીએ? મારા માટે આપણા દેશનો એ જવાન જે સરહદ પર ઊભો છે, તેમના પરિવારો જે ઘણી વાર તેમને જોઈ પણ શકતા નથી, તેઓ ઘરે પાછા ફરી શકતા નથી – તેઓ આપણા બધા માટે આટલું મોટું બલિદાન આપે છે. તો આ તો બહુ નાની વાત છે કે આપણે એક ક્રિકેટ મેચ ન છોડી શકીએ.’
ભજ્જીએ વધુમાં કહ્યું કે, ‘આપણી સરકારનું પણ એ જ વલણ છે કે લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં. દેશ સૌથી પહેલા આવે છે. ક્રિકેટ મેચ ન રમવી એ દેશ સામે બહુ સામાન્ય બાબત છે. મને આશા છે કે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરશે.’
પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનો બહિષ્કાર કરવા માગ
હાલમાં જ યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)માં પણ હરભજન સિંહ ‘ઈન્ડિયા લિજેન્ડ્સ’ ટીમનો ભાગ હતા. તે ટુર્નામેન્ટમાં ટીમે પાકિસ્તાન લિજેન્ડ્સ સામે માત્ર લીગ સ્ટેજની જ નહીં, પરંતુ સેમિફાઇનલ મેચનો પણ બહિષ્કાર કર્યો હતો.
હરભજન સિંહ ઉપરાંત યુવરાજ સિંહ, શિખર ધવન, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, સુરેશ રૈના જેવા દિગ્ગજ ક્રિકેટરોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમના માટે દેશ સૌથી પહેલા આવે છે. જો ફાઇનલ મેચ પણ પાકિસ્તાન સામે હોત તો પણ આપણે રમ્યા ન હોત.
આ પણ વાંચો: 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાની માટેના બિડને IOAની મંજૂરી, અમદાવાદના નામનો પ્રસ્તાવ
જોકે, અત્યાર સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરશે. બંને દેશ વચ્ચે લાંબા સમયથી રમતગમતના સંબંધો નથી. ક્રિકેટની વાત કરીએ તો, બંને દેશો દ્વિપક્ષીય સિરીઝ રમતા નથી, પરંતુ બહુપક્ષીય ટુર્નામેન્ટ રમતા આવ્યા છે. બંને એકબીજાના દેશમાં રમવાનું ટાળે છે, ખાસ કરીને ભારત ICC ટુર્નામેન્ટમાં પણ પાકિસ્તાનમાં મેચ રમતું નથી. આથી, તેમની મેચ તટસ્થ સ્થળો પર યોજાય છે.

Leave a Reply