ઇટાલીના લૈમ્પેદુસા ટાપુ નજીક દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લગભગ 100 જેટલા પ્રવાસીઓને લઈ જતું એક જહાજ પલટી ગયું, જેમાં 27 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગુમ છે. આ ઘટનાની પુષ્ટિ યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR)ના ફિલિપો ગ્રાન્ડીએ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ‘લૈમ્પેદુસાના કિનારે થયેલી આ દુઃખદ ઘટના દરમિયાન આશરે 27 પ્રવાસીઓ અને શરણાર્થીઓ ડૂબી ગયા છે.’
આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠનના પ્રવક્તા ફ્લેવિઓ ડી જિયાકોમોના જણાવ્યા મુજબ, લગભગ 95 મુસાફરો લિબિયાથી બે બોટમાં રવાના થયા હતા. જેમાંથી એક બોટમાં પાણી ભરાવા લાગતાં તમામ મુસાફરોને બીજી બોટમાં ખસેડવામાં આવ્યા, પરંતુ તે ફાઈબર ગ્લાસની બોટ વધુ વજનને કારણે પલટી ગઈ.
રાહત અને બચાવ કામગીરી હાલ ચાલુ છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધી 60 લોકોને જીવંત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 35 લોકો હજુ સુધી ગુમ છે. UNHCR દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બચી ગયેલા લોકોને મદદ કરવામાં આવી રહી છે. એજન્સી અનુસાર, આ વર્ષે અત્યાર સુધી મધ્ય ભૂમધ્ય સાગરમાં 675 પ્રવાસીઓના મોત નોંધાયા છે, જેમાં આ તાજેતરના અકસ્માતના આંકડા સામેલ નથી.
UNHCRના આંકડા દર્શાવે છે કે 2025ના પ્રથમ છ મહિનામાં 30,060 શરણાર્થીઓ અને પ્રવાસીઓ દરિયાઈ માર્ગે ઈટાલી પહોંચ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 16 ટકા વધુ છે.

Leave a Reply