વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે ચર્ચા થવાની સંભાવના છે.
ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ભારે ટેરિફ લગાવવાના કારણે ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ ઊભો થયો છે. બીજી તરફ ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સુધારો લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ચીનમાં 31 ઓગસ્ટથી શાંઘાઈ સહકાર સંગઠન (SCO)નું વાર્ષિક શિખર સંમેલન યોજાવાનું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે તેવી ધારણા છે. આ શિખર સંમેલન માટે ચીનની શી જિનપિંગ સરકાર તૈયારી કરી રહી છે. વાંગ યી ભારતની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે પણ ચર્ચા કરશે.
રિપોર્ટ્સ મુજબ, પીએમ મોદી 29 ઓગસ્ટે જાપાન પ્રવાસે જશે અને ત્યારબાદ ચીનના તિયાનજિનમાં યોજાનાર શિખર સંમેલનમાં ભાગ લેશે. આ મુલાકાતો બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશામાં લઈ જવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
Leave a Reply