મુંબઈમાં મૈસુર કોલોની સ્ટેશન નજીક વીજ પુરવઠામાં ખામી આવતા એક મોનોરેલ ટ્રેન રસ્તામાં જ અટકી ગઈ હતી, જેના કારણે મુસાફરોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની માહિતી મુજબ, ટ્રેન અંદાજે એક કલાક સુધી અટકેલી રહી, અને આ દરમિયાન વીજળી તથા એર કન્ડિશનિંગ સિસ્ટમ બંધ થવાથી ટ્રેનની અંદરનું તાપમાન વધી ગયું હતું. ગરમી અને ગૂંગળામણના કારણે મુસાફરો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, અને એન્જિનિયરિંગ તથા ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મુંબઈ મેટ્રો વહીવટીતંત્રએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે વીજ પુરવઠાની નાની સમસ્યા કારણે મોનોરેલ અટકી હતી અને સેવાઓ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.
હાલમાં વડાલા અને ચેમ્બુર વચ્ચે સિંગલ લાઇન પર સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિઓઝમાં ટ્રેનની અંદર મુસાફરો ગરમી અને અગવડતાથી પરેશાન દેખાઈ રહ્યા છે. વહીવટીતંત્રએ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની ખાતરી આપી છે.

Leave a Reply