સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. આ ચોરીમાં 32.48 કરોડના રફ અને પોલિશ્ડ હીરા સાથે 5 લાખ રોકડા રૂપિયા સમાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મધરાત્રિએ પાંચ તસ્કરો બે રિક્ષામાં ગેસ કટર સાથે આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજીમાં બે શખ્સો હતા. ચોરી બાદ રાત્રે 2 વાગ્યાના આસપાસ તેઓ સુરત રેલવે સ્ટેશન પર ઉતરીને મુંબઈ અથવા રાજસ્થાન તરફ ફરાર થયા હોવાની સંભાવના છે.
ડાયમંડ કિંગ અને ડી.કે. એન્ડ સન્સ નામની બંને હીરાની પેઢીઓ કપુરવાડી બિલ્ડિંગના ચોથા માળે આવેલી છે, જે દેવેન્દ્રકુમાર ચૌધરી અને તેમના પરિવારની માલિકી હેઠળ છે. 15મી ઓગસ્ટે બપોરે 3.30 વાગ્યા સુધી કારખાનું ખુલ્લું હતું, ત્યારબાદ સાતમ-આઠમની રજાને કારણે બે દિવસ માટે બંધ હતું. આ દરમ્યાન તસ્કરો બિલ્ડિંગના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર ઘૂસ્યા અને ઓફિસની તિજોરીમાં ગેસ કટરથી ભોકારો પાડ્યો. ચોરીમાં ડાયમંડ કિંગના 5746.24 કેરેટ પોલિશ્ડ હીરા અને 87,068.35 કેરેટ રફ હીરા, તેમજ ડી.કે. એન્ડ સન્સના 3163.58 કેરેટ પોલિશ્ડ હીરા અને 16,583.72 કેરેટ રફ હીરા સામેલ છે.
તસ્કરોએ ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા અને DVR પણ સાથે લઈ ગયા. નોંધનીય છે કે, બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નહોતો અને માત્ર નાનકડું તાળું મારેલું હતું. 300 કરોડનું ટર્નઓવર હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાને કારણે પોલીસ પર સવાલો ઊભા થયા છે. પોલીસને સ્થળ પરથી સિગારેટના ઠુંઠા, માવાની પડીકી અને બે થી ત્રણ અજાણ્યા શખ્સોના ફિંગરપ્રિન્ટ મળ્યા છે.
આ ચોરી જાણભેદુના સહકારથી થઈ હોવાની સંભાવના છે. સુરત પોલીસ તસ્કરોને પકડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

Leave a Reply