દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલા સદ્ભાવના પાર્કમાં બુધવારે બપોરે એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ, જેમાં ત્રણ શ્રમિકોના મોત થયા અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. કાટમાળની નીચે ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ત્રણ શ્રમિકોના મોતની પુષ્ટિ થઈ છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, બચાવ કામગીરી સતત ચાલી રહી છે અને ઘટનાની તપાસ માટે કાર્યવાહી હાથ ધરાશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પણ ઘટનાની નોંધ લીધી છે. હાલ સુધી બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 12 જુલાઈએ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં બે લોકોના મોત અને આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ કહ્યું કે, અંતિમ રિપોર્ટ સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રહેશે.

Leave a Reply