કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાની પાર્ટીથી જુદો મત વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરવાના પ્રસ્તાવિત બિલને થરુરે સમર્થન આપ્યું છે, જેમાં એવી જોગવાઈ છે કે જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રી કોઈ ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થયા પછી સતત 30 દિવસથી વધુ ન્યાયિક કસ્ટડીમાં રહે, તો તેમને પદ પરથી હટાવવાની ફરજ પડશે.
થરુરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “જો તમે 30 દિવસ જેલમાં રહો, તો શું મંત્રી તરીકે રહી શકો? આ સામાન્ય સમજની વાત છે, મને આમાં ખોટું નથી લાગતું.” તેમણે વધુમાં જણાવ્યું કે આ બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવે તો તે લોકશાહી માટે સારું રહેશે, કેમ કે ચર્ચા જરૂરી છે.
કેન્દ્ર સરકાર આ બિલ બુધવારે સંસદમાં રજૂ કરશે, જેને 130મા બંધારણીય સુધારા બિલ 2025 નામ આપવામાં આવ્યું છે. બિલ મુજબ, કોઈ મંત્રી જો સતત 30 દિવસથી વધુ કસ્ટડીમાં રહે તો 31મા દિવસે રાજીનામું આપવું પડશે અથવા તેને પદ પરથી બરતરફ કરાશે.
વિરોધ પક્ષો આ બિલનો સખત વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ બિલને બંધારણ વિરોધી ગણાવ્યું છે અને કહ્યું કે, “કોઈપણ મુખ્યમંત્રી વિરુદ્ધ કેસ દાખલ કરીને તેને 30 દિવસ જેલમાં રાખી શકાય, તો તે પદ ગુમાવશે? આ અસંવિધાનિક છે.”
શશી થરુર અગાઉ પણ કોંગ્રેસથી જુદા નિવેદનોથી ચર્ચામાં આવ્યા છે. 2021થી તેઓ પાર્ટી સાથે મતભેદ ધરાવે છે, ખાસ કરીને તે સમયે જ્યારે તેઓ જી-23 ગ્રુપમાં જોડાયા હતા અને ગાંધી પરિવારના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તાજેતરમાં, ઓપરેશન સિંદૂર અને અન્ય મુદ્દાઓને લઈને પણ તેમના અને કોંગ્રેસના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે.

Leave a Reply