વિશ્વના નકશામાં આફ્રિકા અને ભારતને ન્યાય મળ્યો નહીં, જાણો કેમ વધી રહ્યો છે વિરોધ

વિશ્વના નકશામાં આફ્રિકા અને ભારતને ન્યાય મળ્યો નહીં, જાણો કેમ વધી રહ્યો છે વિરોધ

વિશ્વના પરંપરાગત નકશાઓમાં આફ્રિકા અને ભારતના કદને લઈને મોટો અન્યાય થયો છે. આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર (ISS)માં રહેલા ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી જોયું ત્યારે નોંધ્યું કે ભારતનો કદ હકીકતમાં નકશામાં દર્શાવાયેલા કદ કરતાં ઘણો મોટો લાગે છે. આ જ વાત આફ્રિકા ખંડ માટે પણ લાગુ પડે છે.

સ્કૂલોમાં ભણાતો મર્કેટર નકશો 16મી સદીમાં બેલ્જિયમના કાર્ટોગ્રાફર જેરાર્ડસ મર્કેટરે બનાવ્યો હતો. વહાણવટા માટે બનાવાયેલા આ નકશામાં ગોળાકાર પૃથ્વીની સપાટી સમતલ કાગળ પર દર્શાવવામાં આવી, જેના કારણે વિષુવવૃત્ત નજીક આવેલા દેશો – જેમ કે આફ્રિકા, ભારત અને દક્ષિણ અમેરિકા – નકશામાં નાના દેખાય છે. બીજી બાજુ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવના પ્રદેશોને અસલી કરતાં ઘણા વધારે વિશાળ દેખાડવામાં આવ્યા છે.

આફ્રિકા આ વિસંગતતાનો સૌથી મોટો ભોગ છે. હકીકતમાં આફ્રિકા એટલો વિશાળ છે કે તેમાં અમેરિકા, ચીન અને ભારત સમાઈ શકે છતાં જમીન બાકી રહે. છતાં નકશામાં રશિયા અને ઉત્તર અમેરિકા આફ્રિકા કરતાં મોટા દેખાય છે. ભારતના કદ સાથે પણ એવું જ છે – 31.6 લાખ ચોરસ કિમી વિસ્તાર ધરાવતા ભારત કરતાં ગ્રીનલૅન્ડ નાના વિસ્તાર છતાં નકશામાં વિશાળ દેખાય છે.

આ અસમાનતાનો વિરોધ હવે આફ્રિકન યુનિયને શરૂ કર્યો છે અને ‘આફ્રિકાનું સાચું કદ’ દર્શાવતો નકશો અપનાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. ખોટા નકશાથી મનોવૈજ્ઞાનિક અસર થાય છે અને પશ્ચિમ દેશોને વધુ પ્રભાવશાળી દર્શાવવાની માનસિકતા વિકસે છે.

વૈકલ્પિક નકશા પ્રોજેક્શનમાં ‘ગેલ-પીટર્સ પ્રોજેક્શન’ અને 2017માં રજૂ કરાયેલ ‘ઈક્વલ અર્થ મેપ’ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં નાસા, નેશનલ જિયોગ્રાફિક અને વર્લ્ડ બેંક મર્કેટર નકશાનો ઉપયોગ ઘટાડીને ‘ઈક્વલ અર્થ મેપ’ અપનાવી રહ્યા છે. ગૂગલ મેપ્સે પણ 2018થી આ ફેરફાર અમલમાં મૂક્યો હતો.

આ બદલાવથી આગામી પેઢીને પૃથ્વી પરના દેશોના સાચા કદ અને તેમની યોગ્ય સ્થિતિ વિશે વધુ સાચી અને વિશ્વસનીય માહિતી મળશે.

Leave a Reply

Your email address will not be published.