મેક્સિકોમાં માંસખાઉ પરજીવીનો ત્રાસ: 5,000 થી વધુ કેસ, માનવમાં પણ ચેપના કિસ્સા

મેક્સિકોમાં માંસખાઉ પરજીવીનો ત્રાસ: 5,000 થી વધુ કેસ, માનવમાં પણ ચેપના કિસ્સા

મેક્સિકોમાં માંસખાઉ પરજીવી એટલે કે સ્ક્રૂવર્મ (Flesh-eating Screwworm)ના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. મેક્સિકન સરકારના તાજેતરના આંકડા મુજબ, 17 ઑગસ્ટ સુધી પ્રાણીઓમાં કુલ 5,086 કેસ નોંધાયા છે, જે જુલાઈની સરખામણીએ 53 ટકા વધારે છે. હાલ 649 સક્રિય કેસો સામે આવ્યા છે. નિષ્ણાતોના કહેવા મુજબ ગરમીના સમયમાં આટલો વધારો ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે. આ કીડાના મોટાભાગના કેસ ગાયોમાં જોવા મળે છે, ત્યારબાદ કૂતરા, ઘોડા અને ઘેટાંમાં ફેલાઈ રહ્યા છે.

સ્ક્રૂવર્મ શું છે અને કેવી રીતે ફેલાય છે?
સ્ક્રૂવર્મ પરજીવી ગણાતો જીવ છે, જેનું વૈજ્ઞાનિક નામ ન્યુ વર્લ્ડ સ્ક્રૂવર્મ છે. આ માખી ગરમ લોહીવાળા પ્રાણીઓના શરીર પર લોહી નીકળતી જગ્યાએ ઈંડા મૂકે છે. આ ઈંડામાંથી નીકળેલા લાર્વા ઘા દ્વારા માંસમાં ઘૂસી જાય છે અને માંસ ખાવા લાગે છે, જેના કારણે ઘા મોટો અને ગંભીર બને છે. સમયસર સારવાર ન થાય તો મૃત્યુ પણ થઈ શકે છે.

રોગચાળો મધ્ય અમેરિકા થી અમેરિકા સુધી ફેલાતો ખતરો
આ રોગચાળો 2023માં મધ્ય અમેરિકાના દેશો (પનામા, કોસ્ટા રિકા, હોન્ડુરાસ, ગ્વાટેમાલા)માં શરૂ થયો અને હવે મેક્સિકો થઈને અમેરિકાની સરહદ સુધી પહોંચી ગયો છે. મોટા ભાગના કેસ ગાયોમાં જોવા મળ્યા છે, પરંતુ અન્ય પશુઓ પણ સંક્રમિત થયા છે. ગયા વર્ષે આ રોગચાળાને કારણે મેક્સિકોને 1.3 અબજ ડોલરનું નુકસાન થયું હતું, કારણ કે પશુઓની નિકાસ અટકાવી દેવામાં આવી હતી. જો આ ટેક્સાસ સુધી ફેલાશે તો 1.8 અબજ ડોલરનું નુકસાન થવાની શક્યતા છે.

માનવમાં ચેપના કેસ અને અમેરિકામાં પહેલો કેસ
આ રોગ માનવમાં દુર્લભ છે, પરંતુ અત્યંત જોખમી છે. મેક્સિકોના ચિયાપાસ રાજ્યમાં અત્યાર સુધી 41 લોકો સંક્રમિત થયા છે. અમેરિકા માં 4 ઑગસ્ટે પહેલો કેસ નોંધાયો, જે એલ સેલ્વાડોરથી પરત ફરેલા વ્યક્તિમાં મળ્યો હતો.

ફેલાવાને અટકાવવાનો ઉપાય: સ્ટેરાઈલ ઈન્સેક્ટ ટેકનિક
સ્ક્રૂવર્મ ફેલાવો રોકવા માટે જૂની પરંતુ અસરકારક પદ્ધતિ સ્ટેરાઈલ ઈન્સેક્ટ ટેકનિક (SIT)નો ઉપયોગ થઈ રહ્યો છે. આ પદ્ધતિ હેઠળ નર માખીઓને રેડિએશનથી વાંઝણી બનાવીને છોડવામાં આવે છે, જેથી તેઓ ઈંડા પેદા ન કરી શકે. મેક્સિકોમાં આ માટે 51 મિલિયન ડોલરની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.

સંકટ સામે મેક્સિકો-અમેરિકા સંયુક્ત પ્રયાસો
અમેરિકન કૃષિ વિભાગ (USDA)એ પનામામાં બાયોલોજિકલ અવરોધ મજબૂત કર્યો છે અને સરહદ પર જાળ બાંધવામાં આવી છે. ટેક્સાસમાં પણ આ પદ્ધતિ લાગુ કરવાની યોજના છે, જેને પૂર્ણ થવામાં 2-3 વર્ષ લાગી શકે છે. સંક્રમણ રોકવા માટે દર અઠવાડિયે 500 મિલિયન વાંઝણી માખીઓનું ઉત્પાદન કરવું પડશે.

 

 

Leave a Reply

Your email address will not be published.