ભારતના સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાત માટે ગૌરવનો દિવસ રહ્યો છે. ગુજરાતના વતની અને હાલના પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા જસ્ટિસ વિપુલ એમ. પંચોલીએ શુક્રવારે (29 ઓગસ્ટ) દેશની ટોચની અદાલતમાં ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઇએ તેમને પદ અને ગોપનીયતાનો શપથ ગ્રહણ કરાવ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા હવે 34 થઈ ગઈ છે, જેમાં ગુજરાતના ત્રણ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે.
વિશેષ શપથવિધિ સમારોહ દરમિયાન જસ્ટિસ વિપુલ પંચોલી સાથે જસ્ટિસ આલોક આરાધેએ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓ, ગુજરાત અને પટણા હાઇકોર્ટના ન્યાયાધીશો, પરિવારજનો તથા ન્યાયિક અધિકારીઓ હાજર રહ્યા હતા. હાલ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ નિલય અંજારિયા પહેલેથી જ સેવા આપી રહ્યા છે, જ્યારે હવે જસ્ટિસ વિપુલ પંચોલી ત્રીજા ગુજરાતી ન્યાયમૂર્તિ તરીકે જોડાયા છે.
જસ્ટિસ વિપુલ પંચોલીનો જન્મ 28 મે, 1967ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે 1 ઑક્ટોબર, 2014ના રોજ ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને 10 જૂન, 2016ના રોજ કાયમી ન્યાયમૂર્તિ બન્યા. બાદમાં જુલાઈ 2023માં તેમને પટણા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને થોડા મહિનાં પહેલાં જ તેઓને ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપવામાં આવી હતી. હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં સીધી નિમણૂક મેળવનાર ગુજરાતના ગૌરવ સમાન ન્યાયાધીશ બન્યા છે.

Leave a Reply