અમેરિકાએ F-1 વિઝા નિયમોમાં કડક ફેરફાર કર્યો, ભારતીય વિદ્યાર્થીઓ માટે ભણતર મોંઘુ અને મુશ્કેલ

અમેરિકાએ F-1 વિઝા નિયમોમાં કડક ફેરફાર કર્યો, ભારતીય વિદ્યાર્થીઓ માટે ભણતર મોંઘુ અને મુશ્કેલ

અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે ફરી કડક નિયમો લાવી રહ્યું છે. F-1 કેટેગરીના અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સફરની પ્રક્રિયા હવે પહેલા વર્ષ દરમિયાન બંધ કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓએ પોતાના પ્રથમ વર્ષ દરમિયાન પોતાની પસંદ કરેલી યુનિવર્સિટીમાં જ રહેવું પડશે. મલ્ટિપલ ડિગ્રી લેતા વિદ્યાર્થીઓ માટે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે હેઠળ એફ-1 કેટેગરીના વિદ્યાર્થીઓ એક જ ક્ષેત્રમાં એક કરતાં વધુ ડિગ્રી નહીં લઈ શકે.

આ સાથે, ડે-1 CPT (ક્યુરિક્યૂલર પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ) પ્રોગ્રામ હંમેશા માટે બંધ કરવામાં આવ્યો છે. અગાઉ વિદ્યાર્થીઓને તાલીમ દરમિયાન તરત જ કામ કરવાની છૂટ મળી હતી, જે હવે ઉપલબ્ધ નથી. ઉપરાંત, F-1 વિઝા હેઠળ કોઈપણ કોર્સ માટે ચાર વર્ષની મર્યાદા બાંધી દેવામાં આવી છે. ચાર વર્ષ પૂર્ણ થયા બાદ વિઝા રિસ્ટેમ્પિંગ ફરજીયાત થશે, અને જો કોઈ એક્સટેન્શન જોઈએ તો USCIS યુ.એસ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ દ્વારા જ લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પીરિયડ પણ 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરી દેવામાં આવ્યો છે, જેનાથી નોકરી શોધવા માટેનો સમય ઘટશે અને પાછા ફરવાનો દબાણ વધશે. આ નિયમોના અમલથી વિઝા ફી, ટ્રાવેલિંગ ખર્ચ અને રિસ્ટેમ્પિંગ માટે ખર્ચ વધશે, જે ભણતર વધુ મોંઘું બનાવી દેશે.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ જે અભ્યાસક્રમ અથવા પ્રોગ્રામ પસંદ કર્યો છે, તે બદલી શકશે નહીં. I-20 ફોર્મ મુજબ, વિદ્યાર્થીઓએ શરૂ કરેલા અભ્યાસક્રમ સુધી જ ભણવું પડશે. અગાઉની સુવિધાઓ અને અનુકૂળતાઓ હવે બંધ થઈ ગઈ છે. અમેરિકન સરકારે ઉપરોક્ત નિયમો આગામી 30–60 દિવસમાં વિધિવત્ અમલમાં લાવવાની જાહેરાત કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.