ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના ઈન્દોરના જાણીતા સિંગર સાથે લગ્ન કરશે, વર્ષોથી કરે છે ડેટ
Updated: Oct 19th, 2025
GS TEAM

Smriti Mandhana Will Marriage With Palash Muchhal: બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો રહ્યો છે. હવે એક નવી લવ સ્ટોરી સામે આવી છે, આ વખતે આ સ્ટોરી મહિલા ક્રિકેટરની છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાની ગ્લેમર ગર્લ સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં ઈન્દોરની વહુ બનવા જઈ રહી છે. તેનું એલાન તેનો બોયફ્રેન્ડ ફિલ્મ પ્રોડ્યુસર-સિંગર પલાશ મુછલે કર્યું છે.
વાસ્તવમાં મીડિયા રિપોર્ટ્સમાં લાંબા સમયથી પલાશ અને મંધાના વચ્ચેના રિલેશનની અટકળો લગાવવામાં આવી રહી હતી, જેમને ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરાયેલ તસવીરમાં સાથે જોવા મળે છે. જોકે, બંનેએ પણ જાહેરમાં ક્યારેય પોતાના સંબંધોની પુષ્ટિ નહોતી કરી.
સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં ઈન્દોરની વહુ બનશે
સિંગર પલાશ મુછલે કહ્યું કે, ઈન્ડિયન ક્રિકેટર સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં ઈન્દોરની વહુ બનશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સ્મૃતિ મંધાના ઈન્દોરમાં ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડ સામે 19 ઓક્ટોબરે યોજાનારી મેચની તૈયારી કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, પલાશ મુછલ બોલિવૂડમાં મ્યુજિશિયન અને ફિલ્મ પ્રોડ્યુસર તરીકે એક્ટિવ છે. પલાશે ફિલ્મ ઢિશ્કિયાઉંથી મ્યુજિશિયન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ભૂતનાથ રિટર્ન્સનું હિટ ગીત ‘પાર્ટી તો બનતી હૈ’ આપ્યું હતું. તેણે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ખેલેં હમ જી જાન સે’માં એક્ટિંગ પણ કરી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો પલાશ મુછલ હાલમાં તેની નવી ફિલ્મ ‘રાજુ બેન્ડ વાલા’ને ડાયરેક્ટ કરી રહ્યો છે.
પલાશ બોલિવૂડનો સૌથી નાની ઉંમરનો સિંગર
પલાશે ન માત્ર સારું મ્યુઝિક બનાવ્યું પરંતુ તેના નામે ઘણા રેકોર્ડ પણ છે. તે બોલિવૂડનો સૌથી નાની ઉંમરનો સિંગર છે, જ્યારે તેણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી ત્યારે તેની ઉંમર માત્ર 18 વર્ષ હતી. તેણે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં બોલિવૂડના સૌથી નાની ઉંમરના સિંગર તરીકે સ્થાન મેળવ્યું છે. પલાશની બહેન પલક મુછલ પણ એક પ્રખ્યાત બોલિવૂડ સિંગર છે. તેણે સલમાન ખાનની ફિલ્મોમાં ઘણા ગીતો ગાયા છે.
સ્મૃતિ મંધાના હાલમાં શાનદાર ફોર્મમાં
સ્મૃતિ મંધાના હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. બીજી તરફ બેક-ટૂ-બેક સદી સાથે મંધાના આ વર્ષની સૌથી વધુ વન-ડે રન બનાવનાર ખેલાડી છે. આગામી મેચોમાં મંધાના કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

Leave a Reply