ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો યાત્રીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટે આ વર્ષે 10 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. આ વીમો ગત વર્ષના કવરેજની તુલનામાં ત્રણ ગણો વધુ છે. વીમા અંતર્ગત કોઈ પણ યાત્રાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળશે.
વિમાની વિશેષતા એ છે કે આ કવરેજ શક્તિપીઠ અંબાજીથી 50 કિલોમીટર સુધીના વિસ્તારને આવરી લે છે અને ગુજરાત-રાજસ્થાન સરહદ નજીકના 7 જિલ્લાઓને સમાવિષ્ટ છે, જેથી દૂર-દૂરથી આવતા ભક્તોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી શકે. ગત વર્ષે માત્ર 20 કિલોમીટરના વિસ્તાર માટે વીમો લેવામાં આવ્યો હતો, પરંતુ યાત્રીઓની વધતી સંખ્યા અને સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ વર્ષે કવરેજ વિસ્તાર અને વીમાની રકમ નોંધપાત્ર રીતે વધારવામાં આવી છે.
અકસ્માત બાદ વીમાનો લાભ લેવા માટે ભોગ બનનાર વ્યક્તિએ કોર્ટમાં ક્લેમ કરવું પડશે. કોર્ટ ગંભીરતા અને થયેલા નુકસાનના આધારે નક્કી કરેલી રકમ ક્લેમ કરનારને ચુકવશે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ આ ઐતિહાસિક નિર્ણય ભાદરવી પૂનમના મહામેળામાં આવતા યાત્રીઓ માટે મોટી રાહત અને સુરક્ષા સુનિશ્ચિત કરશે.

Leave a Reply