અંબાજી મહામેળા યાત્રીઓ માટે એસ.ટી. નિગમ દોડાવશે 5500 વધારાની બસો

અંબાજી મહામેળા યાત્રીઓ માટે એસ.ટી. નિગમ દોડાવશે 5500 વધારાની બસો

ગુજરાતના અંબાજીમાં યોજાવનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડે છે. તેમને સલામત અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ પૂરો પાડવા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે માત્ર 5100 વધારાની બસો દ્વારા 10.92 લાખ યાત્રીઓને સેવા પૂરી પાડી હતી. આ વર્ષે યાત્રીઓની વધતી સંખ્યા અને સુવિધાને ધ્યાનમાં રાખીને બસોની સંખ્યા વધારી 1 સપ્ટેમ્બર 2025થી 7 સપ્ટેમ્બર 2025 સુધી આ વિશેષ બસોનું સંચાલન થશે.

વિશેષ બસો મુખ્યત્વે અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય રૂટ્સ પર દોડશે. નજીકના મુખ્ય સ્થળોથી અંબાજી આવવા માટે સ્પેશિયલ મીની બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે ગબ્બરથી અંબાજી માટે RTO તરફ 20 બસો, અંબાજીથી દાંતા માટે 15 બસો અને દાંતાથી પાલનપુર માટે 20 બસો દોડાવવામા આવશે. યાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે 24×7 GPS મોનિટરિંગ, પેસેન્જર શેડ, લાઇન/ક્યુ, જાહેર શૌચાલય અને પીવાના પાણી જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થાનું સુચારુ સંચાલન માટે 4000 કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે.

આ સાથે, યાત્રીઓની સુરક્ષા માટે અંબાજી મંદિર ટ્રસ્ટે આ વર્ષે ભાદરવી પૂનમ મહામેળામાં 10 કરોડ રૂપિયાનો વીમો પણ લીધો છે. જે ગત વર્ષના વીમા કવરેજની તુલનામાં ત્રણ ગણો વધારે છે. આ વીમા અંતર્ગત કોઈ પણ માર્ગ અકસ્માત અથવા દુર્ઘટનામાં મૃત્યુ પામે તો તેમને આર્થિક સહાય મળશે. વિશેષતા એ છે કે આ વીમો અંબાજીથી 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં લાગુ પડે છે અને ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીકના 7 જિલ્લાઓને આવરી લે છે, જેથી દૂર-દૂરથી આવતા યાત્રીઓ પણ સુરક્ષિત રહી શકે.

 

Leave a Reply

Your email address will not be published.