71મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત શુક્રવારે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં કરવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે સાંજે 6 વાગ્યે વિજેતાઓના નામ જાહેર કર્યા. ખાસ વાત એ છે કે, ગુજરાતી ફિલ્મ ‘વશ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવી છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘વશ’ એક થ્રિલર ફિલ્મ છે જેમાં મુખ્ય ભૂમિકા જાનકી બોડીવાલાએ ભજવી હતી.
આવર્તન માટે 22 ભાષાઓમાં 115થી વધુ ફિલ્મોનું જ્યુરી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દરેક ફિલ્મને તેના વિષયવસ્તુ અને કલા આધારિત પરિબળોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું.
આ એવોર્ડ માટે એ ફિલ્મો પાત્ર માનવામાં આવી હતી જેમણે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2023 દરમિયાન CBFC દ્વારા પ્રમાણપત્ર મેળવ્યું હોય. 2023 ભારતીય સિનેમાની દૃષ્ટિએ અત્યંત સફળ વર્ષ સાબિત થયું છે. જોકે, રાષ્ટ્રીય એવોર્ડ્સ માટે ફિલ્મની કમર્શિયલ સફળતાથી વધુ તેના કલા, સંદેશ અને સાહિત્યિક ગુણવત્તાને મહત્વ આપવામાં આવે છે.
આ વર્ષે હિન્દી ફિલ્મ ‘ધ ફર્સ્ટ ફિલ્મ’ના પિયુષ ઠાકુરને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે. જ્યારે શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ તરીકે મનીષ સૈની દિગ્દર્શિત ‘ગિદ્ધ ધ સ્કેવેન્જર’ને પસંદ કરવામાં આવી છે. હિન્દી સહિત તમિલ, મલયાલમ, અને તેલુગુ સિનેમામાં અનેક લોકપ્રિય ફિલ્મો જેમ કે ‘પઠાણ’, ‘12મી ફેલ’, ‘OMG 2’, ‘જેલર’, ‘લિયો’, ‘2018’ અને ‘કાથલ’ ફિલ્મો પણ 2023ના સિનેમાક્ષેત્રની મોખરે રહી હતી.

Leave a Reply