વલસાડ: ધરમપુરમાં કોઝવે પર બાઇકસવાર પાણીના પ્રવાહમાં તણાઇ જતા યુવાન લાપત્તા

વલસાડ: ધરમપુરમાં કોઝવે પર બાઇકસવાર પાણીના પ્રવાહમાં તણાઇ જતા યુવાન લાપત્તા

વલસાડ: ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે એક યુવાન બાઇક સાથે કોઝવે પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. પ્રિતેશ દિનેશભાઈ ગામીત (ઉંમર 22) આંબાતલાટ ગામના સાગરમાળ ફળીયાના રહેતા છે. શનિવારે રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરતા પ્રિતેશ પોતાના મોટરસાયકલ (નં. GJ-15-AE-8538) પર કોઝવે પાર કરવાનો પ્રયાસ કર્યો, જે સમયે કોઝવે પાણીમાં ગરક હતો. ઝડપથી વહેતા પાણીના કારણે યુવાન બાઇક સહિત પ્રવાહમાં તણાઇ ગયો.

ઘટના અંગે જાણ થતાં તરવૈયા અને NDRFની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. રાત્રીના અંધારાને કારણે શોધખોળમાં વિલંબ થયો હતો. રવિવારે (24 ઓગસ્ટ) સવારે ફરીથી કામગીરી શરૂ કરતાં, કોઝવેના પાણીમાંથી પ્રિતેશની બાઇક મળી આવી છે, પરંતુ યુવાન હજી લાપત્તા છે અને તેની શોધખોળ ચાલુ છે.

પહેલાં પણ વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં આવી જ દુર્ઘટના બની હતી, જેમાં માતા-પુત્રીની મૃત્યુ થઈ હતી. ચોમાસાના દિવસોમાં નીચેના કોઝવે પાણીમાં ગરક થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સરકાર અને તંત્ર પાસે જોખમી કોઝવે પર ઉચ્ચ પુલ બનાવવા માટેની માગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.