બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાવાનો છે. આ પ્રસંગે ભક્તો અને પદયાત્રીઓની સલામતી, સુરક્ષા અને સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો આરતીના સમય, પ્રસાદ કેન્દ્રો અને પાર્કિંગ અંગે માહિતી સરળતાથી મેળવી શકે તે માટે ઈ-મંદિર વોટ્સએપ ચેટબોટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ચેટબોટ દ્વારા માઈભક્તો ઘરેબેઠા પણ મંદિર સંબંધિત તમામ માહિતી મેળવી શકશે, તેમજ માતાજીના અખંડ જ્યોતના લાઈવ દર્શન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર જોઈ શકશે.
ભાદરવી પૂનમના મહામેળાના આયોજન માટે કુલ 29 સમિતિઓની રચના કરવામાં આવી છે, જે પીવાનું પાણી, વીજળી, પાર્કિંગ અને પ્રસાદ વિતરણ સહિતની વ્યવસ્થાઓનું સંચાલન કરશે. મેળાની સુવિધા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા 1 થી 7 સપ્ટેમ્બર સુધી 5500 વધારાની બસો ચલાવવામાં આવશે, જે મુખ્યત્વે અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત રૂટ પર દોડશે.
મહામેળા દરમિયાન સૌપ્રથમ વખત ભવ્ય 400 ડ્રોન લાઈટ શો યોજાશે, જે 3 અને 4 સપ્ટેમ્બર રાત્રે 8:30 વાગ્યે યોજાનાર છે (વરસાદ ન પડે તો). ડ્રોન લાઈટ શોમાં રંગબેરંગી લાઈટના પ્રદર્શન દ્વારા ‘અંબે મા’, ‘જય માતાજી’, ‘ત્રિશૂળ’ સહિતની વિવિધ પ્રતિકૃતિઓ દર્શાવાશે, જે દર્શકો માટે દ્રશ્યમાન અને અદભૂત અનુભવ રહેશે.

Leave a Reply