અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ મહામુકાબલા પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, પોપ સ્ટાર રિકી માર્ટિન કરશે પરફોર્મ
Updated: Mar 6th, 2026
GS TEAM

T20 World Cup 2026: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઠમી માર્ચે T20 વર્લ્ડ કપ 2026નો ભવ્ય ફાઈનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક મેચ પૂર્વે ક્રિકેટ ચાહકો માટે મનોરંજનનો ડબલ ડોઝ પીરસવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય પોપ આઇકોન રિકી માર્ટિન સમાપન સમારોહમાં પરફોર્મ કરશે.
સતત બીજી વખત ચેમ્પિયન બનવા પર ભારતની નજર
ભારતીય ટીમ અત્યંત શાનદાર ફોર્મમાં છે. સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને ધૂળ ચટાડ્યા બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર સતત બીજી વખત ખિતાબ જીતવા પર છે. અગાઉ 2024માં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે આ ટ્રોફી જીતી હતી. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને ટક્કર આપવા તૈયાર છે.
ફાઈનલ મેચની શરૂઆત પહેલા સ્ટેડિયમમાં ભવ્ય મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ સુપરસ્ટાર રિકી માર્ટિન પોતાના સુપરહિટ લેટિન પોપ ગીતો અને હાઈ-વોલ્ટેજ સ્ટેજ પર્ફોર્મન્સથી ચાહકોને ઝૂમાવશે. ICCએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ‘T20 વર્લ્ડ કપની પાર્ટી હવે વધુ મોટી બની ગઈ છે. રિકી માર્ટિન આ સમાપન સમારોહનું નેતૃત્વ કરશે.’
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2026: ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ની સંભવિત યાદી જાહેર, બુમરાહનું પત્તું કપાયું!
કાર્યક્રમની વિગતો
•સ્ટેડિયમના દરવાજા ખુલવાનો સમય: બપોરે 3:30 વાગ્યે
•ક્લોઝિંગ સેરેમનીની શરૂઆત: સાંજે 5:30 વાગ્યે
•રિકી માર્ટિનનું પરફોર્મન્સ: સાંજે 5:30થી મેચ શરૂ થવા સુધી
આઠમી માર્ચે રમાનારી આ મેચ માટે અમદાવાદના રસ્તાઓથી લઈને હોટલો સુધી બુકિંગ ફુલ થઈ ગયા છે. રિકી માર્ટિનની ઉપસ્થિતિએ આ ગ્લોબલ ઇવેન્ટમાં ગ્લેમરનો તડકો લગાવ્યો છે. ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે આ ભવ્ય સ્ટેજ પર ભારત ફરી એકવાર વિશ્વ વિજેતા બનીને ઉભરશે.

Leave a Reply