‘એ કમી દૂર થઇ…’ અમદાવાદમાં બુમરાહને જૂના જખ્મો યાદ આવ્યા, ભાવુક થયો સ્ટાર બોલર
Updated: Mar 9th, 2026
GS TEAM

Jasprit Bumrah Emotional : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને એકતરફી અંદાજમાં 96 રને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે (8 માર્ચ) ટીમ ઇન્ડિયાએ ફાઈનલમાં માત્ર શાનદાર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગમાં પણ કીવીઓને ઘૂંટણ ટેકવવા મજબૂર કરી દીધા હતા.
ભારતીય ટીમે રનોનો કર્યો વરસાદ
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 255/5નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતીય બેટ્સમેનોએ મેદાનના દરેક ખૂણે રનનો વરસાદ કર્યો અને ન્યૂઝીલેન્ડના બોલરોને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધા. 256 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહીં અને આખી ટીમ 19 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ મેચ
T20 વર્લ્ડ કપની ફાઈનલમાં શાનદાર બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહે આ મેચમાં 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સાથે તે 40 વિકેટ લઈને T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે. મેચ બાદ બુમરાહે કહ્યું કે પોતાના હોમ ગ્રાઉન્ડ પર આ સિદ્ધિ મેળવવી તેના માટે ખૂબ જ ખાસ ક્ષણ છે. તેણે જણાવ્યું, “આ જીત મારા માટે ખૂબ જ ખાસ છે. મેં મારા હોમ ગ્રાઉન્ડ પર અગાઉ પણ એક ફાઈનલ રમી હતી, પરંતુ ત્યારે જીત મળી નહોતી. આજે એ કમી પૂરી થઈ ગઈ.”
આ પણ વાંચો : યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું
ફાઇનલ પીચ બેટિંગ માટે સરળ હતી
બુમરાહે જણાવ્યું કે ફાઈનલની પિચ બેટિંગ માટે એકદમ સરળ હતી, તેથી તેણે પોતાના પૂરા અનુભવનો ઉપયોગ કરવો પડ્યો હતો. તેણે કહ્યું, “મને ખબર હતી કે વિકેટ ફ્લેટ છે, તેથી અનુભવ સાથે બોલિંગ કરવી જરૂરી હતી. ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા મને લાગતું હતું કે હું થોડો વધુ પ્રયાસ કરી રહ્યો છું. આ વખતે મેં રમતને સહજ રીતે લીધી અને તે મારા માટે કામ કરી ગઈ.”
બુમરાહે પ્લેયર ઓફ ધ મેચ બનવા અંગે શું કહ્યું?
બુમરાહના મતે, પોતાના હોમ ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ ફાઈનલમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બનવું એ તેના કરિયરની સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે. તેણે પોતાની વ્યૂહરચના વિશે જણાવ્યું કે, “અહીંની પિચ પર ખૂબ ઝડપથી બોલ ફેંકવાથી બેટ્સમેનો માટે શૉટ રમવાનું સરળ બની શકે છે. તેથી મેં સ્માર્ટ બોલિંગ કરી અને બેટ્સમેન શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે સમજવા પર ધ્યાન આપ્યું.” ટીમના બોલિંગ ગ્રુપના વખાણ કરતા તેણે ઉમેર્યું કે, ખેલાડીઓ વચ્ચે સતત વાતચીત અને શાંત અભિગમ જ સૌથી મોટી તાકાત રહી. “જે ટીમો દબાણમાં પણ શાંત રહે છે, તે જ ટુર્નામેન્ટ જીતે છે અને મને આનંદ છે કે અમે એ કરી બતાવ્યું.”
જસપ્રીત બુમરાહનું T20 વર્લ્ડ કપમાં પ્રદર્શન
બુમરાહે આ T20 વર્લ્ડ કપની 8 મેચોમાં 14 વિકેટ ઝડપી હતી. તેણે 12.42ની એવરેજ અને 6.21ના ઈકોનોમી રેટથી બોલિંગ કરી હતી.

Leave a Reply